ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ઉપરના માળે ભીષણ આગ ભભૂકી રહી છે.
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની છે. દ્વારકા સેક્ટર ૧૩માં સ્થિત શબ્દ એપાર્ટમેન્ટના સાતમા માળે આજે સવારે ૧૦ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગ લાગી હોવાના સમાચારથી હંગામો મચી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક પિતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. આગથી બચવા માટે 10 વર્ષના બાળકો બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા. તેમના પિતા યશ યાદવ (35) પણ તેમની સાથે નીચે કૂદી પડ્યા હતા. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બપોરે ૧૨:૩૦ વાગ્યે, ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. ૪ લોકોને આકાશ હોસ્પિટલમાં અને ૧ વ્યક્તિને ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આકાશ હોસ્પિટલમાં દાખલ બે બાળકોને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિને પણ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. હાલમાં બે લોકો સારવાર હેઠળ છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS) આવે તે પહેલાં જ તમામ ઘાયલોને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તપાસ ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્રે આસપાસના ફ્લેટ ખાલી કરાવી દીધા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ફાયર વિભાગે કોઈપણ પ્રકારની અફવાઓ ટાળવા અપીલ કરી હતી. બાકીની વિગતો અને આગના કારણ માટે ફાયર વિભાગના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ઉપરના માળે ભીષણ આગ ભભૂકી રહી છે.
આ પ્રકારની ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં રહેતા તમામ લોકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એપાર્ટમેન્ટ કમિટીના લોકોને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સમગ્ર મામલામાં બેદરકારી દાખવવામાં આવી હતી.