IPLમાં 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની પીએમ મોદી સાથે મુલાકત, વૈભવે તેમના ચરણ સ્પર્શ કર્યા

vaibhavSuryavanshi-PMmodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મે શુક્રવારના રોજ પટનામાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત કરી હતી. પટના એરપોર્ટ પર વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા.

પ્રધાનમંત્રીએ વૈભવના પરિવાર સાથે 10 મિનિટ વિતાવી, જોકે શું ચર્ચા થઈ એ અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી. મોદી અને વૈભવ થોડા સમય સુધી વાતો કરી હતી. આ દરમિયાન પીએમ મોદી વૈભવના પિતા સાથે પણ હસીને વાતો કરતાં જોવા મળ્યાં હતા. પ્રધાનમંત્રી બિહારની 2 દિવસની મુલાકાતે હતા. પરત ફરતી વખતે આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી.

14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમત રમી હતી. વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થઈ ગયો હતો. મેગા ઓક્શનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ X હેન્ડલ પર લખ્યું, ‘પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ. તેની ક્રિકેટ સ્કિલની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.’

IPL 2025 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન
વૈભવે 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું, જે IPLના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ડેબ્યૂ કરનાર ખેલાડી બન્યો હતો. તેણે 19 એપ્રિલ 2025ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતુ.

વૈભવે પોતાની ડેબ્યૂ મેચમાં 20 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. અગાઉ આ રેકોર્ડ પ્રયાસ રે બર્મનના નામે હતો. તેણે 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

વૈભવ IPL ની વર્તમાન સિઝનમાં કુલ 7 મેચ રમ્યો હતો. જેમાં તેણે 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.00 નોંધાઈ હતી. તેમજ સ્ટ્રાઈક રેટ 206.55 હતો. તેણે કુલ 122 બોલ રમ્યા, જેમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન વૈભવે એક સદી અને એક અડધી સદી ફટકારી. નવેમ્બર 2024માં યોજાયેલા મેગા ઓક્શનમાં વૈભવને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.