ચંડોળા ડિમોલિશન ફેઝ-2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે
અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરુ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
AMC દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ડિમોલિશન પાર્ટ-2 સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.
આશરે 1,000થી વધુ ગેરકાયદે વસાહતીઓ ઝૂંપડા તેમજ કાચા- પાકાં મકાનો દૂર કરવા માટે AMCની 50 જેટલી ટીમો જોડાઈ છે. 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. AMC અને પોલીસ ટીમ સાથે રહી સાત અલગ અલગ ઝોન બનાવી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
DCP રવિ મોહન સૈનીએ જણાવ્યું કે, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર દબાણ છે તેનું ફેઝ-2 અંતર્ગત AMC દ્વારા હટાવવામાં આવી રહ્યું છે. જેમાં 25 SRP કંપની અને 3 હજાર પોલીસકર્મી ઓફિસર્સ દ્વારા દબાણ હટાવવાની ડ્રાઈવ કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે તળાવની આસપાસના એરિયામાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે. તળાવની આસપાસ જે કન્સ્ટ્રક્શન છે તે ગેરદાયદે છે. જેને લીધે તેને ક્લિયર કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં અહીંથી જે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા હતા તેમનું ડિપોર્ટેશનની પ્રકિયા કરવામાં આવી હતી.
2.5 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાંથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થતાં ચંડોળા વિસ્તારમાંથી ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યો.
આ અંગે વધુ માહિતી આપતાં પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે જણાવ્યું છે, કે ‘ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.
ચંડોળામાં આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા
તંત્ર દ્વારા ચંડોળમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે જાહેરાત કરાઈ હતી.આ ઉપરાંત જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ચંડોળામાં આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતાં. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો પણ તોડી પડાયા હતાં. પોલીસે અહીં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, 29 એપ્રિલે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામા આવી હતી. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા. તેવામાં હવે તળાવની આસપાસ રહેતાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.