આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યનાં અરવલ્લી, કચ્છ, રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેવામાં આગામી ચાર દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યમાં રાજકોટ, જામનગર, કચ્છ સહિત 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા બે દિવસથી માવઠાનું જોર ઘટ્યું હતુ. જેમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજ પડતાં જ ઝાપટા પડતા હતા. આજે પણ બપોર બાદ રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક કલાકમાં જ એકથી બે ઈંચ જેટલો મૂશળધાર વરસાદ ખાબકતાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. જેના પગલે અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.
હવામાન વિભાગે 13 મે સુધી વરસાદની આગાહી કરી છે. જાણો આગામી ચાર દિવસ વરસાદ ક્યાં ક્યા પડશે…
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 10 મેનાં રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દીવ, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલે એટલે કે 11 મેના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
12 મેના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અને ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર એ સિવાય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે.
13 મેના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.