બીસીસીઆઇએ કહ્યું કે તેણે ખેલાડીઓની ચિંતાઓ, ચાહકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે BCCI એ IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખી છે. તેમજ બધા વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. 9 મેના બીસીસીઆઇની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શુક્રવારે માહિતી આપતા કહ્યું હતું કે, IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યું છે. નવું સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યુ નથી, તેને એક અઠવાડિયા પછી જાહેર કરવામાં આવશે. નવી તારીખો જાહેર થતાં જ તેમને જાણ કરવામાં આવશે. IPLમાં હજુ 12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ બાકી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી.
બીસીસીઆઇએ કહ્યું કે તેણે ખેલાડીઓની ચિંતાઓ, ચાહકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. IPLએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે , “IPL 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે.”
આઇપીએલના ઍક્સ અકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, “આ મહત્ત્વપૂર્ણ સમયે બીસીસીઆઈ દૃઢતાથી દેશ સાથે છે. અમે ભારત સરકાર, ભારતની સેનાઓ તથા દેશના લોકોની સાથે છીએ. ક્રિકેટ બૉર્ડ ભારતીય સેનાની બહાદુરી, હિંમત અને નિ:સ્વાર્થભાવની સેવાને સલામ કરે છે. ઑપરેશન સિંદૂર હેઠળ તેમના અભૂતપૂર્વ સાહસથી તેઓ દેશનું માત્ર રક્ષણ જ કરી રહ્યા છે એવું નથી પરંતુ પ્રેરણા પણ પૂરી પાડી રહ્યા છે.”
એવું માનવામાં આવે છે કે ઓગસ્ટમાં ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં યોજાવાનો એશિયા કપ પણ મુલતવી રાખવામાં આવશે. તેમની જગ્યાએ, બાકીની IPL મેચો ભારતમાં યોજાઈ શકે છે.
ગઈકાલે 8 મેની રાત્રે લગભગ 8:30 વાગ્યે પાકિસ્તાને ભારતની જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. આ દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. તેને અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. ત્યાર બાદ મેદાનની ફ્લડલાઇટ બંધ કરી દેવામાં આવી અને દર્શકોને ઘરે મોકલી દેવામાં આવ્યા. યુદ્ધની સ્થિતિને કારણે, શહેરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું અને મેચ રદ કરવામાં આવી હતી. આ લીગ સ્ટેજની 58મી મેચ હતી.
હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચ પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.