ગુજરાતનાં વાતાવરણમાં પલટો; અમદાવાદ, વડોદરા, રાજકોટ, ચોટીલા, કચ્છમાં ભારે પવન અને કરા સાથે વરસાદ

gujaratRain

ગુજરાતમાં હવામાન વિભાગે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અમદાવાદ, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોટીલામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. કચ્છમાં પણ વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

અમદાવાદ શહેરમાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. દિવસભરના ભારે ઉકળાટ વચ્ચે સાંજના સમયે ધૂળભરી આંધીને લીધે શહેરના અનેક વિસ્તારોમાં વિઝીબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી.

બોપલ, સેટેલાઈટ, સરખેજ-ગાંધીનગર હાઈવે સહિતને અનેક વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. વિવેકાનંદ નગર, હાથીજણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આજે બપોર બાદ ચોટીલામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા થોડીવાર ભારે પવન ફૂંકાયો હતો.કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

રાપર તાલુકાના જાટાવાળા, કલ્યાણપર અને ખડીર બેટના ધોળાવીરા ગામે 5.20 થી 5.40 દરમિયાન કરાનો વરસાદ પડ્યો હતો. કરા પડવાથી ખેડૂતો વર્ગમાં પાક સુરક્ષાને લઈ ચિંતા ફેલાઈ હતી.

વડોદરાના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવતા અંધારપટ છવાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી અને વરસાદ પણ વરસ્યો હતો. અનેક જગ્યાએ હોર્ડિગ્ઝ અને વૃક્ષો ધરાશાયી થયા હતા.

ખંભાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સરેરાશ 40 km ની ઝડપે પવન ફૂંકાયો હતો. નોકરી ધંધાર્થેથી ઘરે જવાના સમયે વંટોળ શરૂ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજકોટમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું. જેમાં શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.