IPL2025ની સીઝન હાલમાં ખૂબ જ રોમાંચક દોરમાંથી પસાર થઈ રહી છે, જેમાં 10માંથી 9 ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં સામેલ છે. ત્યારે પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. મેક્સવેલે CSK સામે રમાઈ રહેલી મેચમાં પણ ભાગ લીધો ન હતો.
IPL-18ની 49મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 4 વિકેટથી હરાવ્યું. પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં 10માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગયુ છે. ત્યારે તારીખ 1 મે ના રોજ પંજાબ કિંગ્સની ટીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને ગ્લેન મેક્સવેલ IPL 2025 સીઝનની બાકીની મેચોમાંથી બહાર થવાની સત્તાવાર માહિતી આપી. બીજી તરફ તેમણે મેક્સવેલના સ્થાને કોઈપણ રિપ્લેસમેન્ટ ખેલાડીના નામનું એલાન નથી કર્યું.
પંજાબ કિંગ્સ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘આંગળીના ફ્રેક્ચરના કારણે મેક્સવેલ બાકી રહેલી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. અમે તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.’ તમને જણાવી દઈએ કે, ગ્લેન મેક્સવેલને IPL 2025ની મેગા હરાજીમાં પંજાબે 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2025 સીઝનમાં ગ્લેન મેક્સવેલના પ્રદર્શન પર નજર કરીએ તો તે આ સીઝનમાં ફ્લોપ રહ્યો છે. તેણે 6 ઈનિંગ્સમાં 8ની એવરેજથી માત્ર 48 રન બનાવ્યા, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 97.95 હતો. બોલિંગમાં મેક્સવેલ છ ઈનિંગ્સમાં 27.5ની એવરેજથી ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મેક્સવેલને તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણા પૂર્વ ખેલાડીઓની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સની ટીમ હાલમાં IPL 2025ના પોઈન્ટ ટેબલમાં 10 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. હવે તે 4 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ સામે પોતાની આગામી મેચ રમશે.