બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મુજબ આગામી સમયમાં કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તીગણતરી કરાવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ સામેલ થશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે મીડિયાને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે સપ્ટેમ્બર મહીનાથી વસ્તીગણતરી શરૂ કરવામાં આવી શકે છે. તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. જે અંતર્ગત વસ્તી ગણતરીનાં અંતિમ આંકડા 2026ના અંત કે 2027ની શરૂઆતમાં આવશે. આ વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવો જોઈએ.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, ‘વર્ષ 1947થી જાતિ વસ્તીગણતરી કરવામાં આવી નથી. મનમોહન સિંહે જાતિ વસ્તીગણતરીની વાત કરી હતી. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. કોંગ્રેસે જાતિ વસ્તીગણતરીની વાતનો માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે. જાતિ વસ્તીગણતરી માત્ર કેન્દ્રનો વિષય છે. કેટલાક રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું છે.
રાજકીય બાબતોની કેબિનેટ કમિટી એટલે કે CCPAએ જાતિની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. CCPAને ‘સુપર કેબિનેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. CCPAના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. તેમજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ જેવા પ્રધાનોનો પણ CCPAમાં સમાવેશ થાય છે.
વસ્તીગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. વર્ષ 2021માં કોવિડ-19 મહામારીને કારણે વસ્તીગણતરીને મુલતવી રાખવામાં આવી હતી. આગામી વસ્તીગણતરી 2035માં થશે.
જાતિ વસ્તી ગણતરી શું છે?
વાસ્તવમાં, જાતિ વસ્તી ગણતરીનો અર્થ એ છે કે જ્યારે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે, ત્યારે આ સમય દરમિયાન લોકોને તેમની જાતિ વિશે પણ પૂછવું જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો, જાતિના આધારે લોકોની ગણતરી કરવી એ જાતિગત વસ્તી ગણતરી છે.
આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં જે મહત્ત્વનાં નિર્ણયો લેવાયા છે તે મુજબ મેઘાલયથી આસામ સુધીના નવા કોરિડોરને મંજૂરી આપવામાં આવી. 166 કિમી. આ હાઇવે માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળે શેરડીના ખેડૂતોને મોટી ભેટ પણ આપી. સરકારે શેરડીના FRPમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે શેરડીનો ભાવ વધારીને 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. આ ઉપરાંત, સરકારે જાતિ વસ્તી ગણતરી અંગે પણ એક મોટો નિર્ણય લીધો. સરકારે તેને મુખ્ય વસ્તી ગણતરી સાથે સામેલ કરવાનો નિર્ણય લીધો છે.