અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો થયો, આજ રાતથી અમલ

amul

અમૂલે દૂધના ભાવમાં વધારો છે, ત્યારે પ્રતિ લિટરે 2 રૂપિયા અને 500 મિલીલિટરમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો ગુરુવાર (1 મે, 2025) થી લાગુ થશે. સાબરકાંઠા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ દૂધ ઉત્પાદનોમાં ભાવવધારો કરવામાં આવ્યો છે.

અમૂલે જાહેર કરેલી સૂચના મુજબ, આણંદ તથા ખેડા જિલ્લામાં 1 મે, 2025ની સવારથી દૂધના ભાવનો વધારો અમલમાં આવશે. જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ, અમૂલ બફેલો દૂધ, ગોલ્ડ દૂધ, અમૂલ ટી સ્પેશિયલ, તાઝા સહિતની અમૂલના દૂધની પ્રોડક્ટમાં લિટર દિઠ 2 રૂપિયા અને 500 મિ.લિ. દિઠ 1 રૂપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ ગોલ્ડ 500 mlનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો છે. અમૂલ શક્તિ હવે રૂ.30ને બદલે રૂ.31માં મળશે. 1 લિટર અમૂલ ટી-સ્પેશિયલમાં બે રૂપિયાના વધારાથી પાઉચ હવે રૂ.63માં મળશે. અમૂલ તાજા રૂ.28માં ઉપલબ્ધ મળશે. ભેંસના દૂધના ભાવમાં પણ રૂ.1નો વધારો કરાયો છે. 500 એમએલનું પાઉચ હવે રૂ.36ને બદલે રૂ.37માં મળશે. જ્યારે એક લિટરમાં 2 રૂપિયાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ટોન્ડ (બલ્ક વેન્ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા થઈ ગયા છે. આ સાથે ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

જ્યારે ડબલ ટોન્ડ દૂધનો ભાવ પ્રતિ લિટર 49 રૂપિયાથી વધારીને 51 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર 57 રૂપિયાથી વધારીને 59 રૂપિયા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દૂધના ભાવમાં વધારાને કારણે મધ્યમવર્ગના લોકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. છેલ્લા ઘણા સમયથી અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો નહતો પણ ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.