જો અમારા અસ્તિત્વ પર સીધો હુમલો થશે તો જ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશુઃ ખ્વાજા આસિફ

khwajaAsif

પરમાણું હમલાની ધમકી બાદ પાકિસ્તાનનાં સરક્ષણ પ્રધાન આસિફે કહ્યું “મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું”

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકા વચ્ચે પાકિસ્તાની સેના એલર્ટ મોડ પર છે. આ દરમિયાન પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના નિવેદનથી પણ ખળભળાટ મચી ગયો છે.

ભારતને પરમાણુ હુમલાની સતત ધમકીઓ આપી રહેલા પાકિસ્તાનની હવે હવા નીકળી ગઈ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રોઇટર્સને જણાવ્યું હતું કે અમે અમારા દળોની તાકાતમાં વધુ વધારો કર્યો છે કારણ કે કંઈપણ થઈ શકે છે. આસિફ પોતે કહે છે કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે!
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે પરંતુ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જો “અમારા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે.”

તેમણે કહ્યું કે જો યુદ્ધ થાય તો અમે તેના માટે માનસિક રીતે પણ તૈયાર છીએ. આગામી બે થી ત્રણ કે ચાર દિવસમાં યુદ્ધ ફાટી નીકળવાની સ્પષ્ટ શક્યતા છે.

આસિફે કહ્યું કે જો પાકિસ્તાનની સાર્વભૌમત્વ સામે કોઈ ખતરો છે, તો અમે તેનો સામનો કરવા માટે 100 ટકા તૈયાર છીએ. આગામી થોડા દિવસોમાં યુદ્ધનો ભય છે પણ તેને ટાળી શકાય છે.

અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકવાદી ભંડોળને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે. સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.

વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય સેના પણ સંપૂર્ણ રીતે એલર્ટ છે અને ઉત્તરી સરહદો પર દેખરેખ વધારી દેવામાં આવી છે. ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપશે. દરમિયાન ઈન્ટેલિજન્સ ઈનપુટ છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી એકવાર હુમલાની યોજના બનાવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અડધાથી વધુ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે.