ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પાછા ફરવા માટે 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં. આ હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલ તમામ માન્ય વિઝા રદ્દ કરી દીધા છે. જેથી જે પાકિસ્તાની ભારતમાં વિઝા લઈને આવ્યા છે તે તમામ પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમયમર્યાદામાં દેશ છોડવો પડશે.
ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા, પાકિસ્તાન સાથે સંબંધિત તમામ 17 પ્રકારના વિઝા રદ કરવાના નિર્દેશો જારી કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના રાજ્યોમાંથી કાઢી મૂકે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
આ મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોએ અલ્ટિમેટમ મુજબ દેશ છોડવો જ પડશે. એમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. એ માટે જિલ્લાઓમાં સૂચના આપી દેવામાં આવી છે.
ભારત સરકારે જાહેરાત કરી છે કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલ, 2025થી રદ કરવામાં આવે છે. જો કે મેડિકલ વિઝા 29 એપ્રિલ, 2025 સુધી માન્ય રહેશે.
પાકિસ્તાનથી આવેલા તમામ લોકો પર પોલીસની કડક નજર રહે છે. હાલ તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી આગળની કાર્યવાહી કરવામાં આવશે નહીં. સૂચના મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સિંધુ જળ સંધિ મુલતવી રાખવાનો નિર્ણય પણ સામેલ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦ થી સિંધુ જળ સંધિ અમલમાં છે. સિંધુ નદીને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે. ૨૧ કરોડથી વધુ વસ્તી તેમની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે સિંધુ અને તેની ચાર ઉપનદીઓ પર આધાર રાખે છે.
આ ઉપરાંત અટારી બોર્ડર બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. ભારતમાં પાકિસ્તાની હાઇ કમિશનમાં તૈનાત પાકિસ્તાની સંરક્ષણ સલાહકારોને દેશ છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. ઉપરાંત, બંને હાઇ કમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 50 થી ઘટાડીને 30 કરવામાં આવી હતી.