પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો બચાવ કરવા અને વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ આસામના વિપક્ષી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, AIUDFએ અમીનુલ ઇસ્લામની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખતા કહ્યું છે કે આ તેમના અંગત વિચારો છે, પાર્ટીના નહીં.
AIUDF પાર્ટીના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનનો બચાવ કરીને ઘટનાને સરકારનું કાવતરું ગણાવી હતી. એક નિવેદન આપતાં કહ્યું હતું કે,એ પુલવામા આતંકવાદી હુમલો નરેન્દ્ર મોદી અને અમિત શાહના કાવતરાનો એક ભાગ હતો તેમ પહલગામ હુમલા પાછળ પણ તેઓ જ છે. એટલું જ નહીં તેમણે હિંદુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારનારા આતંકવાદીઓનો પણ બચાવ કર્યો અને કહ્યું કે એવું કશું જ ન હતું અને અંધારાનો લાભ લઈને આડેધડ ગોળીઓ વરસાવી હતી.
ગુવાહાટીમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “અમે એક વીડિયો જોયો છે જેમાં AIUDF ધારાસભ્ય પાકિસ્તાન અને પહેલગામ હુમલામાં તેની સંડોવણીનો બચાવ કરતા જોવા મળે છે. મેં પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસ મહાનિર્દેશકે મને જાણ કરી કે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે.”
પોલીસના જણાવ્યા અનુસાર, ઇસ્લામની નાગાંવ જિલ્લામાં તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. આસામના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, “ધારાસભ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અમે આ મામલાને તેના તાર્કિક નિષ્કર્ષ સુધી લઈ જઈશું.”
આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા સહિત કોઈપણ માધ્યમ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાકિસ્તાનને સમર્થન આપવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. પોલીસને કડક સૂચના આપવામાં આવી છે કે આવું કરનારા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
મુખ્યમંત્રીએ ‘X’ પર એક પોસ્ટ કરીને કહ્યું કે આસામ સરકાર પાકિસ્તાનનો બચાવ કરતા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરશે.
તેમણે લખ્યું, “પહલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બચાવ કરવાની હિંમત કરનાર કોઈપણ વ્યક્તિ સામે આસામ સરકાર કડક કાર્યવાહી કરશે. સ્પષ્ટ જાણી લેજો. જે લોકો નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યાને ન્યાયી ઠેરવવાનો, સામાન્ય બનાવવાનો અથવા ઓછી આંકવાનો પ્રયાસ કરે છે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ તેઓ ભારતના આત્મા વિરુદ્ધ બોલી રહ્યા છે.”
આસામ પોલીસે પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે AIUDF ધારાસભ્યની “ભ્રામક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યા હતા અને પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરે તેવી શક્યતા હતી.”
દરમિયાન, AIUDFના વડા બદરુદ્દીન અજમલે કહ્યું કે ઇસ્લામે વ્યક્ત કરેલા વિચારો તેમના વ્યક્તિગત અભિપ્રાય છે. અજમલે કહ્યું, “અમીનુલ ઇસ્લામે કરેલી ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર સાથે ઉભા રહેવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. આ આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે.”
AIUDFના વડાએ કહ્યું કે વીડિયોમાં ઇસ્લામ દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો પાર્ટીના વલણને પ્રતિબિંબિત કરતા નથી અને AIUDF પહેલાથી જ આ હુમલાની નિંદા કરી ચૂક્યું છે.