રાજકોટમાં બેકાબુ સિટી બસે અનેક વાહનોને કચડ્યા, 4ના મૃત્યુ, 4 ઘાયલ, લોકોએ બસમાં કરી તોડફોડ

rajkotCityBusAccident

અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય

રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે 150 ફૂટ રિંગ રોડ પાસે ફૂલ સ્પીડે આવેલ સિટી બસે(નંબર GJ 03 BZ 0048) અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોમાં કિરણબેન કક્કડ, ચિન્મયભાઇ ભટ્ટ, સંગીતાબેન ચૌધરી અને રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35)નો સમાવેશ થાય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને ગંભીર ઇજા પહોંચતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું. બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, , ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ પણ અકસ્માતની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા.

અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સિગ્નલ પર વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ગતિએ આવતી સિટી બસે વાહન ચાલકોને અડફેટે લીધા હતા. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર બસે 7થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. સિટી બસ ચાલકો અવાર નવાર સિગ્નલ તોડતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે, આ અંગે તંત્રને રજૂઆત કરતાં હોવા છતા કોઇ ધ્યાન આપતું નથી.

આ દુર્ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલ સિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે. તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.