રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

ramMandir

રામ મંદિર ટ્રસ્ટનને એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે, જેમાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સમાચાર મળતા જ ઉત્તર પ્રદેશ પોલીસ, એન્ટી-ટેરર સ્ક્વોડ (ATS), અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા અધિકારીઓ (DM)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે.ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સોમવારે રાત્રે મેઇલ મળ્યા બાદ રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી અપાઈ છે. મેઇલમાં લખ્યું છે કે, ‘વધારી દો મંદિરની સુરક્ષા.’ રામ મંદિર ટ્રસ્ટે ધમકીને ગંભીરતાથી લઈ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

ધમકીનો મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સી અયોધ્યામાં ઍલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. આ ઉપરાંત બારાબંકી, ચંદૌલી સહિતના જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે આ જિલ્લાઓમાં ડીએમને પણ મેઇલ મોકલી બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષા માટે 4 કિલોમીટર લાંબી હાઈટેક સુરક્ષા દિવાલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે, જે 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ દિવાલ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેમાં અદ્યતન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓએ પ્રાથમિક તપાસ કરતા મેઇલ તમિલનાડુથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. હવે સાયબર સેલે મેઇલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, તેની તપાસ શરુ કરી દીધી છે. મેઇલ મોકલનારને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરુ કરી દેવાયા છે. હાલ અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે.

ચંદૌલીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના ઓફિશિયલ મેઇલ આઈડી પર ચંદૌલીમાં કલેક્ટર ઑફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. કોઈ વ્યક્તિએ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામીના નામે આ મેઇલ મોકલ્યો હતો. કલેક્ટરની ઑફિસને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તાત્કાલિક તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસ ફોર્સ અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવાઈ છે અને ટીમ દ્વારા આખી બિલ્ડિંગમાં તપાસ શરુ કરી દેવાઈ છે. જોકે રાહતની વાત એ છે કે, શોધખોળ દરમિયાન કોઈપણ પ્રકારનો વિસ્ફોટક પદાર્થ અથવા શંકાસ્પદ સામગ્રી મળી નથી.

આ પહેલીવાર નથી કે રામ મંદિરને ધમકી મળી હોય. સપ્ટેમ્બર 2024માં પણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2024માં પ્રો-ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ‘સિખ્સ ફોર જસ્ટિસ’ નામના પ્રતિબંધિત સંગઠન દ્વારા રામ મંદિર પર હુમલાની ધમકી આપી હતી, જેના કારણે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચોકબંધ કરવામાં આવી હતી. આવી ધમકીઓને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સહિત અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.