ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાંથી ૧,૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનુ ૩૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ છે. આ ડ્રગ્સ દાણચોરોએ ભાગી જતા પહેલા દરિયામાં ફેંકી દીધો હતો. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
કોસ્ટ ગાર્ડે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ATS અને કોસ્ટ ગાર્ડે 12 અને 13 એપ્રિલની રાત્રે ગુજરાત અરબી સમુદ્રના દરિયા કિનારા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક નાર્કોટિક્સ વિરોધી એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટ ગાર્ડના જહાજને નજીક આવતા જોઈને, દાણચોરોએ પ્રતિબંધિત સામગ્રી દરિયામાં ફેંકી દીધી અને IMBL તરફ ભાગી ગયા હતા. લગભગ 1,800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલોથી વધુ માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યુ છે. જપ્ત કરાયેલ ડ્રગ ‘મેથામ્ફેટામાઇન’ હોવાની શંકા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સને વધુ તપાસ માટે કોસ્ટ ગાર્ડ જહાજ દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા છે.
સોમવારે સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે, ડ્રગ હેરફેર પર એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) સાથે સંયુક્ત કાર્યવાહીમાં આશરે રૂ. 1,800 કરોડની કિંમતનો 300 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો.
12 થી 13 એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવેલ રાત્રિનું ઓપરેશન ગુજરાત ATS દ્વારા પૂરી પાડવામાં આવેલી કાર્યવાહીયોગ્ય ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યું હતું. ઉત્તર મહારાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત દરિયાકાંઠે મલ્ટી-મિશન પેટ્રોલિંગ પર તૈનાત કોસ્ટ ગાર્ડ ક્ષેત્ર (પશ્ચિમ) ના એક ICG જહાજને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક એક શંકાસ્પદ બોટને અટકાવવા માટે રીડાયરેક્ટ કરવામાં આવ્યું હતું.
ગુજરાત એટીએસ પાસેથી મળેલી માહિતીના આધારે, કોસ્ટ ગાર્ડ રિજન (પશ્ચિમ) ના ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજને IMBL ના દરિયામાં તે વિસ્તારમાં મોકલવામાં આવ્યું હતું જ્યાં એક શંકાસ્પદ બોટની હાજરી મળી આવી હતી. રાત્રે અંધારામાં પણ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે તે શંકાસ્પદ બોટ ઓળખી હતી. જહાજને જોઈને શંકાસ્પદ બોટમાં સવાર દાણચોરોએ ડ્રગ્સનો માલ દરિયામાં ફેંકી દીધો અને પછી IMBL તરફ ભાગી ગયા. કોસ્ટ ગાર્ડના જહાજે શંકાસ્પદ બોટનો પીછો કર્યો અને તરત જ ડમ્પ કરેલા માલને મેળવવા માટે તેના મરીનને તૈનાત કર્યા હતા. ICG એ દરિયાઈ બોટ શરૂ કરી અને રાત્રિના સઘન શોધખોળ પછી ડમ્પ કરાયેલ માદક દ્રવ્યોનો જથ્થો સફળતાપૂર્વક જપ્ત કર્યો.
નોંધનીય છે કે, તાજેતરના વર્ષોમાં કોસ્ટ ગાર્ડ અને ATS વચ્ચેના સહયોગથી આવા 13 સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જે “રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે તાલમેલની પુષ્ટિ કરે છે.”