UPI સર્વિસ ડાઉન, Paytm, PhonePe અને Google Payનાં વપરાશકર્તાઓને સૌથી વધુ મુશ્કેલી

upiService

QR કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું

સમગ્ર દેશમાં આજે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સર્વિસ ઠપ્પ થઈ ગઈ હતી. દિલ્હી- એનસીઆર અમદાવાદ સહિત ઘણા શહેરોમાં આજે બપોરે ડિજિટલ પેમેન્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. તેના કારણે લાખો લોકોને UPI દ્વારા પેમેન્ટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકોને ખરીદી, બિલ ચુકવણી અને પૈસા ટ્રાન્સફર જેવા રોજિંદા કાર્યોમાં ઘણી મુશ્કેલી પડી હતી.

અચાનક UPI સર્વિસ બંધ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. લાખો વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા અને ડાઉનડિટેક્ટર જેવા પ્લેટફોર્મ પર ફરિયાદો નોંધાવી હતી કે તેઓ ન તો ચુકવણી કરી શકતા હતા અને ન તો વ્યવહાર પૂર્ણ થઈ રહ્યો હતો. આ સમસ્યા દેશભરમાં ફેલાઈ ગઈ અને ઘણી બેંકો અને એપ્સને અસર થઈ, જેનાથી સ્પષ્ટ થયું કે આ ફક્ત એક જ એપનો મુદ્દો નથી પરંતુ સમગ્ર UPI નેટવર્ક સાથે સંબંધિત સમસ્યા છે.

માહિતી અનુસાર UPI સિસ્ટમ ઠપ થવાને કારણે Paytm, PhonePe અને Google Payના યુઝર્સને સૌથી વધુ તકલીફ પડી હતી અને તેઓ UPI પેમેન્ટ કરી શક્યા નહોતા. UPI ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ 5 મિનિટ બાદ પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું.

વેબસાઇટ્સ અને ઓનલાઈન સેવાઓનું રીઅલ-ટાઇમ સ્ટેટસ પૂરું પાડતું પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર અનુસાર સમસ્યાનો સામનો કરી રહેલા લગભગ 81% લોકોને ચુકવણી કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 17% લોકોને મની ટ્રાન્સફર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લગભગ 2% લોકોને ખરીદી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વલણ દર્શાવે છે કે UPI ની મૂળભૂત સિસ્ટમ પોતે જ કોઈ ટેકનિકલ અવરોધનો સામનો કરી રહી છે.

સમસ્યા સવારે 11:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ. તે સમયે આ પ્લેટફોર્મ પર લગભગ 900 લોકોએ રિપોર્ટ કર્યો હતો. બપોરે 1:00 વાગ્યે સમસ્યાની જાણ કરનારા લોકોની મહત્તમ સંખ્યા 2400 હતી. બપોરે 2:30 વાગ્યે સમસ્યામાં સુધારો થતો હોય તેવું લાગે છે. હાલમાં ફક્ત 300 યુઝર્સે રિપોર્ટ ફાઇલ કર્યા છે.