ગુજરાતમાં આગામી 2 દિવસ ગરમીમાં રાહત, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદની શક્યતા, 15થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી

gujaratAtmos

રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, ઠંડા પવનો અને વાદળછાયા વાતવરણના કારણે ગરમીમાં રાહત

રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો હાઇ થતાં લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા હતા. પરંતુ ગઇકાલથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગઇકાલે ભાવનગર અને ધોળકા સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. આજે પણ રાજ્યમાં સવારથી અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આજથી બે-ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહતની આગાહી કરી છે. જોકે આ રાહત એક-બે દિવસ જ રહેશે, ત્યાર બાદ તાપમાન ફરી 2થી 3 ડિગ્રી ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે.

આજે રાજ્યમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી છે. રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણને પગલે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સવાર સુધીમાં અમદાવાદ, આણંદ, સુરત, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ 15થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે બપોરથી આવતીકાલે સવાર સુધીની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

વાતાવરણમાં પલટો
રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડા પવનો અને વાદળછાયા વાતવરણના કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. તેમજ 15થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 40તી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

15થી 17 એપ્રિલ દરમિયાન હીટ વેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા 15થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તરગુજરાતનાં અમુક ભાગોમાં ઉષ્ણ લહેરો ફૂંકાઈ શકે છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 16 અને 17 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં હીટવેવની સંભાવનાના જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.