ટ્રમ્પ સામે ચીન “ઝૂકેગા નઈ સાલા”, અમેરિકા પર ટેરિફ વધારીને 125% કર્યો

china-america

અમેરિકાએ ચીન પર ૧૪૫% ટેરિફ લગાવ્યો છે, જેના જવાબમાં ચીને હવે અમેરિકા પર ૧૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

ચીન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દરેક પગલાનો વળતો પ્રહાર કરી રહ્યું છે. અમેરિકાએ ચીન પર 145 ટકા ટેરિફ લગાવ્યા બાદ, ચીને પણ અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. ચીને શુક્રવારે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ ૧૨૫ ટકા સુધી વધારી દીધો છે. ચીને કહ્યું છે કે તે ૧૨ એપ્રિલથી યુએસ આયાત પરના ટેરિફ વધારીને ૧૨૫% કરશે. ચીને અગાઉ અમેરિકન ઉત્પાદનો પર ૮૪ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે અમેરિકા દ્વારા ટેરિફ વધાર્યા બાદ ચીને પણ વિશ્વ વેપાર સંગઠનમાં કેસ દાખલ કર્યો છે. બીજી તરફ, અમેરિકાના નવા નોટિફિકેશન મુજબ, ચીન પર કુલ વેપાર ડ્યુટી ૧૪૫ ટકા છે. ચીન એકમાત્ર એવો દેશ છે જેણે ટ્રમ્પના ટેરિફનો બદલો લીધો છે.

ચીનના આ પગલાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર તણાવ વધુ વધ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનના નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીન પર અસામાન્ય રીતે ઊંચા ટેરિફ લાદવાનું અમેરિકન સરકારનું પગલું આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમો, મૂળભૂત આર્થિક કાયદાઓ અને સામાન્ય સમજનું ગંભીર ઉલ્લંઘન કરે છે, અને તે સંપૂર્ણપણે એકપક્ષીય ગુંડાગીરી અને બળજબરીનું કૃત્ય છે.”

ચીને કહ્યું છે કે ટ્રમ્પ દ્વારા ચીની માલ પર લાદવામાં આવેલા કોઈપણ વધુ ટેરિફને દેશ અવગણશે. “હાલના ટેરિફ દરો હેઠળ યુએસ માલ હવે ચીનમાં વેચી શકાતો નથી. તેથી, જો યુએસ ચીની નિકાસ પર ટેરિફ વધારશે, તો ચીન આવા પગલાંને અવગણશે,” ચીનના નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે યુરોપિયન યુનિયનને અમેરિકાની “ધાકધમકીઓ”નો વિરોધ કરવામાં બેઇજિંગ સાથે જોડાવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે “ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા હોતુ નથી”.

શીએ સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે “ચીન અને યુરોપિયન યુનિયન આર્થિક વૈશ્વિકરણ અને મુક્ત વેપારના મજબૂત સમર્થક છે.”

શીએ કહ્યું કે “ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા હોતુ નથી,” તેમણે ચીન અને EUને “એકપક્ષીય ગુંડાગીરી” નો સંયુક્ત રીતે વિરોધ કરવા હાકલ કરી. શી નો ઈશારો અમેરિકાના વ્યાપક વૈશ્વિક ટેરિફ તરફ હતો.

ટ્રમ્પે 9 એપ્રિલે ચીન પર ટેરિફ વધાર્યા હતા
ટ્રમ્પે 9 એપ્રિલના રોજ જાહેરાત કરી કે તેઓ ચીન સિવાયના અન્ય દેશોને પારસ્પરિક ટેરિફમાંથી 90 દિવસની રાહત આપી રહ્યા છે, જે તાત્કાલિક અસરકારક રહેશે. આ 90 દિવસો દરમિયાન, તે દેશો પર 10 ટકાનો પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે. જોકે, કેનેડા અને મેક્સિકો પર વધારાનો 10% ટેરિફ લાદવામાં આવશે નહીં. તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી ચીની માલ પર પારસ્પરિક ટેરિફ વધારીને 125 ટકા કર્યો હતો.