મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન: રાજકીય સન્માન સાથે થયા અંતિમસંસ્કાર

manojkumar2

બોલિવુડ એક્ટર-દિગ્દર્શક મનોજ કુમારનું ગઈકાલે દુઃખદ નિધન થયુ હતુ. આજે રાજકીય સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે બોલિવૂડની અનેક સેલિબ્રિટિઝે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી.

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે તેમના પાર્થિવદેહને તિરંગામાં લપેટીને મુંબઈના જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ તેમના અંતિમસંસ્કાર કર્યા હતા.

https://twitter.com/PTI_News/status/1908384468584526215#

આ દરમિયાન પત્ની શશી પોતાના પતિ અને લોકપ્રિય એક્ટરના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડવા લાગી. જ્યારે કુણાલ પોતે તેના પિતાની અંતિમ વિદાય વખતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. પ્રેમ ચોપરા, અમિતાભ બચ્ચન, સલીમ ખાન, સુભાષ ઘાઈ, અભિષેક બચ્ચન, સલીમ ખાન, અરબાઝ ખાન, ચંકી પાંડે, રાજપાલ યાદવ, ભાગ્યશ્રી, ધર્મેન્દ્ર સહિત અનેક સેલેબ્સ મનોજ કુમારના અંતિમસંસ્કારમાં પહોંચ્યા હતા. વિદાય વખતે બધાની આંખો ભીની હતી.

87 વર્ષની વયે અવસાન પામેલા મનોજ કુમાર લાંબા સમયથી લિવર સિરોસિસની ગંભીર બીમારીથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતાં તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું 4 એપ્રિલ, શુક્રવારે સવારે અવસાન થયું હતું. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહીત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા. તેમને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2016માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.

મનોજ કુમારે શહીદ (1965), ઉપકાર (1967), પથ્થર કે સનમ (1967), પૂરબ ઔર પશ્ચિમ (1970), શોર (1972), રોટી, કપડા ઔર મકાન (1974), ક્રાંતિ (1981) જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની મોટા ભાગની ફિલ્મોમાં દેશભક્તિની સેન્ટ્રલ થીમ રહેતી અને તેમના પાત્રનું નામ મોટે ભાગે ‘ભારત’ રહેતું હોવાને કારણે મનોજ કુમારનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયેલું.