ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક આકરી ગરમીની હવામાન વિભાગે કરી આગાહી, આગામી 6 દિવસ યલો-ઓરેન્જ એલર્ટ જાહેર

MeteorologicalDepartmentPridict

ગુજરાતમાં કાલથી 6 દિવસ સુધી આગ ઝરતી ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની સંભાવના છે. જેના પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 અને 5 એપ્રિલે પોરબંદરમાં જ્યારે 6થી8 એપ્રિલ દરમિયાન રાજકોટ અને પોરબંદરમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે આવતીકાલે રાજ્યના અમુક ભાગોમાં માવઠાની શક્યતા અને વાદળછાયું વાતવારણ રહેવાની સંભાવના પણ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. તારીખ 3 થી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તારીખ 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જ્યારે કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજયના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલ, ભરૂચ, અમરેલી, વડોદરા, આણંદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ 3 એપ્રિલ સુધી હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

હીટવેવથી બચવા માટે પગલા

  • ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.
  • તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.
  • પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.