ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાઉડર તેમજ સોડિયમ અને સલ્ફેટ પાઉડર વાપરવામાં આવતા હતા. એના કારણે બ્લાસ્ટ થયો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદે ફેક્ટરી અને ગોડાઉનમાં 1 એપ્રિલે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં આગ ફાટી નીકળતા 21 શ્રમિકના મોત થયા હતા. આ ઘટના પછી ફેક્ટરી માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેમના પુત્ર દીપક ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરાઈ છે. બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું છે કે, ‘આ કેસમાં આરોપી પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.’
IPCની કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં અમે JCB મશીન અને SDRFની ટીમો બોલાવીને રેસ્ક્યૂ શરૂ કરી દીધું હતું. આ મામલે રેન્જ IG સાહેબે એક SIT બનાવી છે, જેમાં Dy.SP. કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે. આ ટીમમાં LCB અને SOGના PI અને PSIને પણ છે. ટીમની તપાસનું સુપરવિઝન SP કક્ષાએ થશે. દીપક ટ્રેડર્સના માલિક દીપક મોહનાની અને તેના પિતા ખૂબચંદ મોહનાની અને જે પણ કોઈ આના મેનેજર કે સ્ટોકનું સભાળતા લોકો હશે તેમની સામે IPCની કલમ 304 હેઠળ એટલે કે સા-અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
FSLની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો
ડીસા અગ્નિકાંડ મામલે પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીને ઈડરથી ઝડપી લીધા છે. હાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે, પોલીસને જ્યાં જ્યાંથી માલ મળ્યો ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈ તપાસ ચાલુ છે.’
આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે
વધુમાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓના સાબરકાંઠામાં પણ ગોડાઉન છે અને આરોપીઓના કોની સાથે કનેક્શન હતા તેની તપાસ ચાલી રહી છે, આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. આ ઉપરાંત દીપક ખૂબચંદ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલો હતો આ કેસમાં કેમિકલ સાથે સંકળાયેલા નિષ્ણાતોની મદદ લેવાશે. હાલમાં આરોપીઓ ફટાકડા પ્રોડક્શનનું સ્વીકારી રહ્યા નથી.’
ફેક્ટરીમાં ગયા વર્ષથી સૂતળી બોમ્બ બનાવવાનું કામકાજ શરૂ કરી દેવાયું હતું
ગેરકાયદેસર ફેક્ટરીમાં ગયા વર્ષથી સૂતળી બોમ્બ બનાવવાનું કામકાજ શરૂ કરી દેવાયું હતું. જેના માટે મોટી માત્રામાં નાઇટ્રેટ અને સલ્ફર વિસ્ફોટકનો જથ્થો લાવી દેવાયો. ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાઉડર તેમજ સોડિયમ અને સલ્ફેટ પાઉડર વાપરવામાં આવતા હતા. એના કારણે બ્લાસ્ટ થયો હતો. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી, પરંતુ તેમના કોઈના પણ ધ્યાન પર આ બાબત આવી નહીં
બ્લાસ્ટ કેવી રીતે થયો?
ફેક્ટરીમાં મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા. એ સમય દરમિયાન ફટાકડા બનાવવાનું જે દારૂખાનું આવે છે એમાં નાનોએવો સ્પાર્ક થયો, આ સ્પાર્કને કારણે અંદર પડેલું ફટાકડાનો દારૂગોળો બનાવવાનું બોઈલર ફાટ્યું અને મોટો ધડાકો થયો. એના કારણે 21 મજૂરોનાં મોત થયાં.
ફેક્ટરીના માલિકે ફટાકડા બનાવવા માટે કોઈપણ પ્રકારનું લાઇસન્સ મેળવ્યું નહોતું. જ્યારે તેમણે ફટાકડાના સ્ટોરેજ માટે તંત્ર અને પોલીસ પાસે લાઇસન્સની માગણી કરી ત્યારે પોલીસે પ્રોપર રીતે ફેક્ટરીમાં જઈને નિરીક્ષણ કર્યું હતું, જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. નિરીક્ષણ કરતાં અમને લાગ્યું હતું કે અહીં બરાબર વેન્ટિલેશનની પણ વ્યવસ્થા નથી તો અમે ગોડાઉન માટે પણ નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. ફટાકડા બનાવવાની ફેક્ટરી આખી ગેરકાયદે હતી, જેના માટે તેમની પાસે કોઈ લાઇસન્સ પણ નહોતું. ફેક્ટરીના માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની છેલ્લાં 18 વર્ષથી ફટાકડાનો ધંધો કરતા હતા.