Operation Brahma: ભારત સરકાર કટોકટીના સમયે અન્ય દેશોને જરૂરી સહાય પૂરી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવી રહી છે. જાણો કયારે અને ક્યાં ચલાવી ઝુંબેશ…
Operation Brahma: મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. આ સંકટની ઘડીમાં ભારત સરકારે પડોશી દેશ મ્યાનમારને મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી થયેલા જાનહાનિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે “ઓપરેશન બ્રહ્મા” શરૂ કર્યું.
આ કટોકટીમાં પડોશી દેશને મદદ કરવા માટે, ભારતે આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય અને શોધ અને બચાવ ટીમ સાથે પોતાનો ટેકો આપવા માટે “ઓપરેશન બ્રહ્મા” શરૂ કર્યું. આ અંતર્ગત વાયુસેનાના વિમાન દ્વારા રાહત સામગ્રી યાંગૂન મોકલવામાં આવી છે. ભારતે મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 80 સભ્યોની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમ પણ મોકલી છે. તેઓ મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરશે.
જોકે આ કોઈ અલગ કિસ્સો નથી. અગાઉ ભારતે પણ મુશ્કેલીના સમયમાં અન્ય દેશોનો સાથ આપ્યો હતો. ક્યારેક ‘ઓપરેશન દોસ્ત’ તો ક્યારેક ‘ઓપરેશન મૈત્રી’ જેવા અભિયાનો કર્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઈટ X પર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે “મ્યાનમારના વરિષ્ઠ જનરલ એચ.ઈ. મિન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા જાનહાનિ પર અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ મુશ્કેલ સમયમાં ભારત પોતાના નજીકના મિત્ર અને પાડોશી તરીકે મ્યાનમારના લોકો સાથે ઉભું છે.”
“ઓપરેશનબ્રહ્માના ભાગ રૂપે આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે”
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા છે. મ્યાનમારમાં ઓછામાં ઓછા 1,002 લોકોએ જીવ ગુમાવ્યા અને 2,376 અન્ય ઘાયલ થયા, એમ મ્યાનમારની રાજ્ય વહીવટી પરિષદની માહિતી ટીમે જણાવ્યું હતું. જ્યારે મ્યાનમારને હચમચાવી નાખનારા ભૂકંપમાં 30 લોકો ગુમ થયા છે.
સમયાંતરે ભારત સરકાર કટોકટીના સમયે અન્ય દેશોને જરૂરી સહાય પૂરી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવી રહી છે. જાણો કયારે અને ક્યાં ચલાવી ઝુંબેશ…
‘ઓપરેશન દોસ્ત’
ઓપરેશન બ્રહ્મા પહેલા ભારતે ‘ઓપરેશન દોસ્ત’ નામનું ઓપરેશન ચલાવ્યુ હતું. જે અંતર્ગત તુર્કી અને સીરિયામાં 2023માં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. તે સમયે ભારતે અસરગ્રસ્ત દેશોને સહાય પૂરી પાડવા માટે ‘ઓપરેશન દોસ્ત’ નામથી સર્ચ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી હેઠળ ભારતે તુર્કી અને સીરિયામાં ખોજ અને બચાવ ટીમો, તબીબી ટીમો, દવાઓ, રાહત સામગ્રી અને આવશ્યક પુરવઠો મોકલ્યો હતો.
‘ઓપરેશન કાવેરી’
ત્યારબાદ વર્ષ 2023માં જ ભારતે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું હતું. સુદાનમાં સેના અને હરીફ અર્ધલશ્કરી દળ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તે સમયે મોટી સંખ્યામાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં મુશ્કેલીગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને ઘરે પાછા ફરવામાં મદદ કરવામાં આવી. આ માટે ભારતીય વાયુસેનાના બે વિમાનો અને ભારતીય નૌકાદળના શિપ સુમેધાને ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા.
‘વૈક્સીન મૈત્રી’ અભિયાન
કોરોના મહામારી દરમિયાન જ્યારે આખું વિશ્વ આ કટોકટીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ભારતે ‘વૈક્સીન મૈત્રી’ અભિયાન શરૂ કર્યું. તે સમયે ભારત સરકાર દ્વારા વિશ્વભરના દેશોને કોવિડ-19 રસી પૂરી પાડવા માટે માનવતાવાદી પહેલ કરવામાં આવી હતી. સરકારે 20 જાન્યુઆરી 2021 થી રસીઓ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. 9 મે 2021 સુધીમાં ભારતે 95 દેશોને કોવિડ રસીના આશરે 66.3 મિલિયન ડોઝ પૂરા પાડ્યા હતા.
‘ઓપરેશન મૈત્રી’
એપ્રિલ 2015 માં પડોશી દેશ નેપાળમાં એક વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો. તે સમયે ભારત સરકારે ઓપરેશન મૈત્રી શરૂ કર્યું હતું. આ કામગીરીમાં ભારતીય સશસ્ત્ર દળોને નેપાળમાં બચાવ અને રાહત કામગીરી માટે પણ તૈનાત કરવામાં આવ્યા હતા. વિનાશક ભૂકંપના કલાકોમાં જ ‘ઓપરેશન મૈત્રી’ શરૂ કરવામાં આવ્યું હતું. થોડા દિવસોમાં, ભૂકંપગ્રસ્ત નેપાળમાંથી 43,000 થી વધુ ભારતીયોને જમીન માર્ગે બહાર કાઢવામાં આવ્યા.
‘ઓપરેશન કેસ્ટર’ અને ‘ઓપરેશન રેઈનબો’
2004માં શ્રીલંકા અને માલદીવ સુનામીથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. આ કટોકટીના સમયમાં મદદ કરવા માટે ભારતે ઓપરેશન કેસ્ટર અને ઓપરેશન રેઈનબો શરૂ કર્યા. જેમાં દરિયામાં ખોવાયેલા માછીમારો અને બોટોની શોધ અને બચાવમાં મદદ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્રણ ભારતીય નૌકાદળના જહાજો, આઇએનએસ મૈસુર, આઇએનએસ ઉદયગિરી અને આઇએનએસ આદિત્ય મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોની મદદ માટે હેલિકોપ્ટર, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, તબીબી ટીમો અને રાહત સાધનો મોકલવામાં આવ્યા હતા.
આમ, ભારત દ્વારા કટોકટીના સમયે અન્ય દેશોને જરૂરી સહાય પૂરી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે.