‘ઓપરેશન બ્રહ્મા (Operation Brahma)’ હેઠળ ભારતે મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 80 સભ્યોની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની ટીમ મોકલી છે. રાહત સામગ્રીનો પહેલો જથ્થો આજે યાંગોનમાં રાજદૂત અભય ઠાકુર દ્વારા યાંગોનના મુખ્યમંત્રી યુ સો થીનને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યો
મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે. સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધી 1,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભૂકંપને કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. આ ઇમારતોના કાટમાળમાંથી આજે બીજા વધુ મૃતદેહો મળી આવ્યા હતા.
શુક્રવારે બપોરે ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ માંડલેથી થોડે દૂર હતું, ત્યારબાદ અનેક આંચકા આવ્યા, જેમાંથી એકની તીવ્રતા 6.4 હતી. આના કારણે અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઈ, રસ્તાઓ તૂટી ગયા, પુલ તૂટી પડ્યા અને એક ડેમ તૂટી ગયો.
લશ્કરી નેતૃત્વવાળી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧,૦૦૨ લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે અને ૨,૩૭૬ લોકો ઘાયલ થયા છે, જ્યારે ૩૦ લોકો ગુમ છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે. સરકારે કહ્યું કે “વિગતવાર ડેટા હજુ પણ એકત્રિત કરવામાં આવી રહ્યો છે.”
રાજધાની નાયપીડોમાં શનિવારે કર્મચારીઓએ તુટી ગયેલા રસ્તાઓનું વ્યવસ્થિત કરવાનું કામ કર્યું, જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી, ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. તો બીજી તરફ પડોશી દેશ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપનાં કારણે ભારે નુકશાન થયુ છે. બેંગકોકના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 6 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે, 26 ઘાયલ થયા છે અને 47 લોકો હજુ પણ ગુમ છે.

ખૂબ મોટી માત્રામાં કાટમાળ દૂર કરવા માટે વધુ મોટા અને ભારે સાધનો લાવવામાં આવ્યા હતા, પરંતુ ગુમ થયેલા લોકોના મિત્રો અને પરિવારના સભ્યોમાં તેમના જીવતા મળવાની આશા ઓછી થઈ રહી છે, એમ સમાચાર એજન્સી એપીના અહેવાલમાં જણાવાયું છે. પોતાના જીવનસાથી અને સ્થળ પર કામ કરતા પાંચ મિત્રોની ચિંતામાં રડી રહેલી 45 વર્ષીય નારુમોલ થોંગલેકે કહ્યું, “હું પ્રાર્થના કરી રહી હતી કે તેઓ બચી જાય, પણ જ્યારે હું અહીં પહોંચી અને ખંડેર જોયા, ત્યારે હું ખૂબ જ ભાંગી પડી.” તેઓ ક્યાં હોઈ શકે? કયા ખૂણામાં? શું તેઓ હજુ જીવિત છે? હું હજુ પણ પ્રાર્થના કરું છું કે તમામ 6 લોકો જીવતા રહે.”
થાઈલેન્ડનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના મોટાભાગના પ્રાંતોમાં ભૂકંપ અને આફ્ટરશોક્સ અનુભવાયા હતા. ચિયાંગ માઈ સહિત ઉત્તરમાં ઘણી જગ્યાએ રહેણાંક ઇમારતો, હોસ્પિટલો અને મંદિરોને નુકસાન થયું હતું, પરંતુ બેંગકોકમાં ફક્ત જાનહાનિ નોંધાઈ હતી.
ભારતે મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ‘ઓપરેશન બ્રહ્મા (Operation Brahma)’ હેઠળ 80 સભ્યોની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની ટીમ મોકલી છે. રાહત સામગ્રીનો પહેલો જથ્થો આજે યાંગોનમાં રાજદૂત અભય ઠાકુર દ્વારા યાંગોનના મુખ્યમંત્રી યુ સો થીનને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યો. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે ‘X’ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.
આ અગાઉ, વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ‘X’ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે 80 સભ્યોની શોધ અને બચાવ ટીમ મ્યાનમારના નાય પ્યી તાવ માટે રવાના થઈ ગઈ છે. તેઓ મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરશે.”