ભૂકંપથી સૌથી વધુ અસર થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં અનુભવાઈ હતી, જ્યાં એક 30 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ હતી.
મ્યાનમારમાં 28 માર્ચ, શુક્રવારે સવારે 11:50 વાગ્યે 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. જેમાં 13 લોકોના મોત થયા છે, અને 200 લોકો ઘાયલ થયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. બાર મિનિટ પછી મ્યાનમારમાં 6.4ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક આવ્યો હતો.
ભૂંકપની અસર મ્યાનમાર, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ-પશ્ચિમ ચીન સહિત 5 દેશોમાં આ અસર જોવા મળી. અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. PTI ન્યૂઝ એજન્સી અનુસાર, ભારતના કોલકાતા, ઇમ્ફાલ, મેઘાલય અને પૂર્વ કાર્ગો હિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઢાકા, ચટગાંવ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા ભયાનક વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગો ધ્રુજી રહી હતી અને લોકો ભયના માર્યા રસ્તાઓ પર ભાગી રહ્યા છે. ભૂકંપની સૌથી વધારે અસર થાઈલેન્ડમાં થઈ હતી. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સરકારી કાર્યાલય માટે બનાવવામાં આવી રહેલી ૩૦ માળની ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં ૪૩ કામદારો ફસાઈ ગયા. સમાચાર એજન્સી AFP અનુસાર, પોલીસ અને ડોક્ટરો દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
આ નિર્માણાધીન સાઇટ પર 400 લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી 80 લોકો ગુમ થયા છે, જ્યારે 3 લોકોના મોત થયા છે. ભૂંકપ બાદ બેંગકોકમાં વડાપ્રધાન પ્યોટોંગથોર્ન શિનાવાત્રાએ કટોકટી જાહેર કરી છે.
વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છે. તેમણે બધાની સલામતી માટે પ્રાર્થના કરી છે. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. આ સાથે, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
થાઇલેન્ડના લોકપ્રિય પર્યટન શહેર ચિયાંગ માઈના રહેવાસી ડુઆંગજાઈએ ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું કે “મેં સાંભળ્યું… હું ઘરે સૂઈ રહ્યો હતો અને પછી હું મારા પાયજામામાં જ ઇમારતની બહાર જેટલે દૂર સુધી ભાગી શકતો હતો તેટલે સુધી ભાગી ગયો.”
બીજા એક વિડીયોમાં જોઈ શકાય છે કે ભૂકંપની અસરના કારણે એક ગગનચુંબી ઇમારત હલી રહી છે અને તની છત પર બનેલા સ્વિમિંગ પૂલનુ પાણી નીચે પડી રહ્યું છે.
મ્યાનમારના મંડલે શહેરમાં ઇમારતોનો નાશ
મ્યાનમારમાં ઐતિહાસિક શાહી મહેલ મંડાલય પેલેસના કેટલાક ભાગોને નુકસાન થયું છે. ભૂકંપમાં ઇરાવદી નદી પરનો જૂનો સાગાઇંગ પુલ અને કેટલીક રહેણાંક ઇમારતો ધરાશાયી થયાના અહેવાલો છે. રાજધાની નાયપિતાવ ઉપરાંત, ક્યાઉક્સે, પ્યિન ઓઓ લ્વિન અને શ્વેબોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ શહેરોની વસ્તી 50 હજારથી વધુ છે. સોશિયલ મીડિયા પર શેર થયેલ પોસ્ટ દ્વારા જણાઈ આવે છે કે મંડલે (સાગાઇંગથી લગભગ 24 કિમી દૂર)માં પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
યુએસ જીઓલોજિકલ સર્વે અને જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, મધ્ય મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર સાગાઈંગ શહેરથી 16 કિમી (10 માઈલ) ઉત્તરપશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું.