ઘરમાથી મોટી માત્રામાં રોકડ મળવાના મામલે તપાસ સંદર્ભે દિલ્હી પોલીસ જસ્ટિસ વર્માના ઘરે પહોંચી

justiceVerma

જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને સ્ટોર રૂમ અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી રકમ મળી આવતા દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. બુધવારે દિલ્હી પોલીસ અધિકારી ડીસીપી દેવેશ કુમાર મહાલા તેમના એસીપી, પોલીસ ટીમ અને કેમેરા ટીમ સાથે આ મામલાની તપાસ કરવા માટે જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમના સ્ટોર રૂમ અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તપાસ સમિતિની સૂચના પર જ્યાં આગ લાગી તે સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે.

જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગ લાગવાથી કથિત રીતે બળી ગયેલી રોકડ રકમ મળી આવવાના કેસની તપાસના સંદર્ભમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી) ની આગેવાની હેઠળની એક ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ ટીમ તે સ્થળનું નિરીક્ષણ કરશે જ્યાં આગ લાગી હતી.

જો સૂત્રોનું માનીએ તો, પોલીસ તપાસ ટીમ જજના નિવાસસ્થાનમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ કરી શકે છે. 22 માર્ચે, CJI એ આરોપોની આંતરિક તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી. એટલું જ નહીં, આ ઘટનામાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયનો તપાસ રિપોર્ટ અપલોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ કેસમાં એક મહિલા અને સહ-અરજીકર્તાએ કહ્યું કે જો આવો કેસ સામાન્ય નાગરિક સામે હોત, તો CBI અને ED જેવી ઘણી તપાસ એજન્સીઓ તેની પાછળ પડી હોત. સીજેઆઈએ કહ્યું, ‘આ પૂરતું છે.’ અરજી પર તે મુજબ સુનાવણી કરવામાં આવશે. નેદુમ્પરા અને અન્ય ત્રણ લોકોએ રવિવારે એક અરજી દાખલ કરીને પોલીસને આ કેસમાં એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી.

આ તપાસ અહેવાલમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવ્યાના ફોટોગ્રાફ્સ અને વીડિયોનો સમાવેશ થાય છે. જસ્ટિસ વર્માએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેમણે કે તેમના પરિવારના કોઈ સભ્યએ ક્યારેય સ્ટોરરૂમમાં કોઈ રોકડ રાખી નથી.

દરમિયાન, સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ રકમની કથિત રિકવરી સંદર્ભે દિલ્હી પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયાધીશોની ત્રણ સભ્યોની આંતરિક પેનલે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ત્રણેય ન્યાયાધીશો એક દિવસ પહેલા મંગળવારે બપોરે 1 વાગ્યે દિલ્હીમાં જસ્ટિસ વર્માના 30, તુઘલક ક્રેસન્ટ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે લગભગ 45 મિનિટ સુધી જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનની અંદર ગુનાના સ્થળની સંપૂર્ણ તપાસ કરી. હવે પોલીસ સક્રિય થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.