કુણાલ કામરાએ જ્યા વીડિયો શૂટ કર્યો હતો તે સ્ટુડિયો તોડી પાડવામાં આવશે, BMCની ટીમ પહોંચી હેબિટેટ સ્ટુડિયો પર

hebitetStudio

મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે કુણાલ કામરાએ જે સ્ટુડિયોમાં શિવસેના પર ટિપ્પણી કરી હતી તે ગેરકાયદેસર છે અને તેના પર બુલડોઝર કાર્યવાહી થવી જોઈએ.

કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલ ટિપ્પણીને લઈને થયેલ વિવાદ વચ્ચે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તે સ્ટુડિયો તોડી પાડવામાં આવશે જ્યાં કુણાલ કામરાએ વીડિયો શૂટ કર્યો હતો. BMCના અધિકારીઓએ મુંબઈમાં યુનિકોન્ટિનેન્ટલ મોલનું નિરીક્ષણ કર્યું અને એક અનધિકૃત કામચલાઉ શેડ શોધી કાઢ્યો હતો. જાણકારી મળી છે તે મુજબ BMCની ટીમ સ્ટુડિયો તોડી પાડવા માટે પહોંચી ગઈ છે.

કુણાલ કામરા સામે કાર્યવાહીની માંગ છે. અગાઉ, મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે જે સ્ટુડિયોમાં કુણાલ કામરાએ એકનાથ સિંદે પર ટિપ્પણી કરી હતી તે ગેરકાયદેસર છે અને તેના પર બુલડોઝર કાર્યવાહી થવી જોઈએ, આ માટે મેં BMC કમિશનર સાથે વાત કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવાથી ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવ્યા બાદ હેબિટેટ સ્ટુડિયોએ સોમવારે જાહેરાત કરી જણાવ્યુ હતુ કે તેણે પરિસરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટુડિયોએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમને નિશાન બનાવવાની આવી ઘટનાઓથી અમને આઘાત લાગ્યો છીએ, અમે ગભરાઈ ગયા છીએ.” કલાકારો તેમના પોતાના વિચારો અને સર્જનાત્મક પસંદગીઓ માટે તેઓ પોતે સંપૂર્ણપણે જવાબદાર છે, અને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતી સામગ્રીમાં સ્ટુડિયોની ક્યારેય કોઈ ભૂમિકા રહી નથી.

વધુમાં સ્ટુડિયોએ જણાવ્યું હતું કે, “તાજેતરની ઘટનાઓએ અમને ફરીથી વિચાર કરવાની ફરજ પાડી છે કે કેવી રીતે અમને દર વખતે દોષિત ઠેરવવામાં આવે છે અને નિશાન બનાવવામાં આવે છે. જાણે કે અમે કલાકારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોઈએ. ” સ્ટુડિયોએ કહ્યું, “જ્યાં સુધી અમને પોતાને અને અમારી સંપત્તિને જોખમમાં મૂક્યા વિના મુક્ત અભિવ્યક્તિ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો શ્રેષ્ઠ માર્ગ ન મળે ત્યાં સુધી અમે કામ બંધ કરી રહ્યા છીએ. અમે બધા કલાકારો, પ્રેક્ષકો અને હિસ્સેદારોને મુક્તપણે ચર્ચા કરવા અને તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપીએ છીએ, અને તમારા માર્ગદર્શનની વિનંતી કરીએ છીએ જેથી અમે કલાકારોના અધિકારોનું પણ સન્માન કરી શકીએ.

સોમવારે શેર કરેલી પોસ્ટમાં, હેબિટેટ સ્ટુડિયોએ, આ વિડિઓથી નારાજ થયેલા દરેક વ્યક્તિની માફી માંગી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “હેબિટેટ કુણાલ કામરાના તાજેતરના વિડિયોના નિર્માણમાં સામેલ નથી અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા વિચારોને સમર્થન આપતું નથી.”

રવિવારે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં ‘હેબિટેટ કોમેડી ક્લબ’માં તોડફોડ કરી હતી, જ્યાં કામરાના શોનું શૂટિંગ થયું હતું. આ કાર્યક્રમમાં, કામરાએ “દેશદ્રોહી” શબ્દનો ઉપયોગ કરીને શિંદે પર કટાક્ષ કર્યો હતો. આપને જણાવી દઈએ કે સમય રૈના અને રનવીર ઈલાહાબાદિયાનો વિવાદાસ્પદ શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’નું શૂટિંગ પણ આ જ સ્ટુડિયો ‘હેબિટેટ ક્લબ’માં જ થયું હતું.

કોમેડિયન કુણાલ કામરાએ પોતાના શોમાં બોલિવૂડ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ ના ગીતની પેરોડી બનાવી હતી. કામરાના વિડીયોના શબ્દો છે – થાણે રિક્ષા, ચહેરા પર દાઢી… આ વિડીયો ક્લિપમાં ગુવાહાટી, દેશદ્રોહી જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગીત દ્વારા તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તીખી ટિપ્પણીઓ કરી હતી. આ પછી, શિવસેનાના કાર્યકરોએ તે સ્ટુડિયોમાં તોડફોડ કરી જ્યાં આ કાર્યક્રમ થયો હતો.