અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી કેનાલ પાસે આવેલ ‘મુશીરની હવેલી’ તોડી પડાઈ

musirniHaveli

બુલડોઝર એક્શન યથાવતઃ જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીર સામે હત્યા, મારામારી જેવા ગુના નોંધાયેલા છે જેને લઈ પોલીસ અને એએમસી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી છે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માથા ભારે ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શન ચાલુ છે. અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથા ભારે તત્ત્વોની ગેરકાયદે મિલકતો જમીન દોસ્ત કરવામાં આવી છે. અમદાવાદના વેજલપુર પોલીસ દ્વારા ફતેવાડી કેનાલ પાસે આવેલ ઈસ્માઈલ પેલેસ જે ‘મુશીરની હવેલી’ તરીકે જાણીતી છે, તે ગેરકાયદે મિલકત બુલડોઝર દ્વારા તોડી નાખવામાં આવી છે.

જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની વૈભવી ગેરકાયદે મિલકતને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે તોડવાની કામગીરી કરવામાં આવી છે. આ જગ્યા ખેતીલાયક છે અને અહીં મોટા રૂમ અને સ્વિમિંગ પૂલ બનાવ્યા હતા. આ જગ્યા ઈકબાલના નામે છે, પરંતુ તે મુશીર ઉપયોગ કરતો હતો. જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં કોઈપણ મંજૂરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેને તોડવા માટે એક હિટાચી મશીન અને બે જેસીબી મશીન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે પહોંચી હતી.

મોહમ્મદ મુશીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનું લાંબું લિસ્ટ છે. મુશીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. એક સમયે અમદાવાદનો ટપોરી મુશીર હાલ બિલ્ડર બની ગયો છે. તેની સામે સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી ગુનાની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5 ઈસમો સાથે કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને તમામ આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેવા મોકલી આપ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન પાંચ ગેરકાયદેસર મકાનો તથા નવ દુકાનો તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વાધજીપુરા ખાતે આવેલ મનપસંદ કલબનું ત્રીજા માળનું બાંધકામ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગેરકાયદેસર મકાનો તથા શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હોટેલ અને કાફે ડિમોલિશ કરવામાં આવ્યાં. આ ઉપરાંત અન્ય બે ગેરકાયદેસર શેડ અને દુકાન તથા સાબરમતી વિસ્તારમાં ૭ મકાન ડિમોલીશ કરવામાં આવ્યા છે.