મૂળ ભારતના અને અમેરિકામાં સ્થાયી થયેલ મહેસાણાનાં પરિવારનાં બે સભ્યોની વર્જિનિયામાં ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામના પ્રદીપભાઈ પટેલ પહેલા પરિવાર સાથે મહેસાણા રહેતા હતા અને મોઢેરા ચોકડી ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવતા હતા. જે 6-7 વર્ષ પહેલાં પોતાની પત્ની હંસાબેન અને દીકરી ઉર્વી સાથે વિઝિટર વિઝા સાથે અમેરિકા ગયા હતા અને ત્યાં ભાડેથી સ્ટોર ચલાવતા હતા.
અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વી તરીકે થઈ છે. પ્રદીપભાઈ અને તેમની દીકરી ઉર્વી બંને જણા 20 માર્ચ સવારે 5 કલાકે સ્ટોર ખોલી અંદર ગયા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં ઘુસી બંને પર ગોળી ચલાવતા પ્રદીપભાઈનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઉર્વીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉર્વીના લગ્ન 3 વર્ષ અગાઉ અમેરિકા રહેતા અને મૂળ ગાંધીનગરના યુવક સાથે થયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખસને ઝડપી લીધો હતો. હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. હજુ પણ હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. પરંતુ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે અને જલદી જ હત્યાનું કારણ સામે આવશે.