સંત નગાલાખા બાપાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ ભવ્ય આયોજનમાં આજે ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળતા તેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે પ.પૂ.1008 રામબાપુ ને અર્પણ કરવામાં આવ્યું હતું.
ધોલેરા તાલુકાના બાવળાયાળી ગામમાં ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરાં થયા એ નિમિત્તે પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભરવાડ સમાજનાં લોકો આવ્યા હતા. જેમાં 75 હજાર મહિલાઓ એક જ સ્થળે, એક સમયે હુડો રાસ રમી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

કાર્યક્રમમાં અનેક ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કંઠે રજૂ કરેલા ગીતો ઉપર બહેનોએ હુડા રાસની રમઝટ બોલાવી હતી. પુનઃ પ્રાણપ્રતિસ્ઠા કાર્યક્રમની પુર્ણાહુતી પૂર્વે અહીં હજુ વધુ બે રેકોર્ડ નોંધાશે, જેમાં 111 ફૂટની અગરબત્તી અને 22 ફૂટની વાંસળી અંગેના રેકોર્ડના પ્રમાણપત્ર બે દિવસ દરમ્યાન એનાયત કરવામાં આવશે.
ઠાકરધામ બાવળીયાળી ખાતે આયોજિત આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીનું પાઘડી, બંડી પહેરાવી અને ડાંગ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સંત શ્રી નગાલાખા – ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન-અર્ચન પણ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યો જીતુભાઇ વાઘણી, કાળુભાઈ ડાભી, કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, તોરણિયા ધામના મહંત રાજેન્દ્રદાસજી બાપુ, ભરવાડ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ મહોત્સવમાં આશરે 10 લાખ જેટલા ભક્તોએ દર્શન, પ્રસાદ અને અલગ અલગ કાર્યક્રમનો લાભ લીધો હતો. ‘જય નગાલાખાના ઠાકર’ના નાદ સાથે લાખો ભાવિકોએ અહીં દર્શન કર્યા હતા. આમાં સૌથી રૂડો અને ભવ્ય અવસર તો હુડો રાસનો હતો. 20 માર્ચે હુડો રાસનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 8 વાગ્યાથી ભરવાડ સમાજની બહેનોએ હુડો રાસ શરૂ કર્યા હતા. આ હુડો રાસમાં ભરવાડ સમાજનાં પાંચ-પચ્ચીસ કે ત્રીસ હજાર નહીં પણ 75 હજાર બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસે રમ્યાં હતાં.
ભરવાડ સમાજનાં 75 હજાર બહેનો એક સરખા લાલ કલરના પહેરવેશમાં, એક સરખાં ઘરેણાં પહેરીને બહેનોએ હુડો રાસ કર્યો હતો. આ હુડો રાસને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા’નું સર્ટિફિકેટ મળ્યું હતું. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના CEO પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહંત રામબાપુને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ટેક્નોલોજીની મદદથી આજે, હું ઠાકરધામ બાવળિયાળી ખાતે ઉપસ્થિત વિશાળ જનસમુદાય સાથે સંવાદ કરી શક્યો. આ સ્થળ ભરવાડ સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભગવદ્ જ્ઞાન ગોપ ગાથા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમુદાયના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આજે સવારે હજારો બહેનોએ પારંપરિક ગોપી હુડો રાસ રજૂ કર્યો. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી કરતા આ પ્રયાસો લાંબા ગાળા સુધી અસરકારક રહેશે.
આદરણીય સંતો, ગુરુઓ અને સમુદાયના વડીલોના ઉપદેશોથી પ્રેરિત થઈને, ભરવાડ સમુદાયે કૃષિ, ડેરી, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રયાસો કર્યા છે. ઠાકરધામ બાવળિયાળી ખાતે આયોજિત કાર્યક્રમમાં મારા વક્તવ્ય દરમિયાન, મેં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એમના સહયોગ અને યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી તેમજ રસીકરણ દ્વારા પગ અને મોંને લગતા રોગો અટકાવવા તથા વન-આવરણ વધારવા જેવા વિવિધ પ્રયાસોમાં જનજાગૃતિ અને જનભાગીદારીની અપીલ કરી
ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી છેઃ સીએમ
ભરવાડ સમાજ પ્રત્યેની લાગણીને માન આપીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બાવળિયાળી પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, ભરવાડ સમાજ ‘ઠાકર કરે ઈ ઠીક’ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી છે. ભરવાડ સમાજની 75 હજારથી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો તે બદલ મહિલાઓને તેમજ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે. દેશભરના દેવસ્થાનો આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ 2025ને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું કે, આ વર્ષે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતી, બિરસા મુંડાની 150મી જયંતી, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની 100મી જયંતી તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણીનું વર્ષ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમાજની એકતાનાં દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. તેમણે સંતશ્રી નગાલાખા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છ ભારત, મેદસ્વિતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવવાની જન અપીલ કરી હતી.
ધોલેરાના બાવળિયાળી ગામે નગાલાખા ઠાકરનું મંદિર છે. ભરવાડ સમાજના સંત નગાબાપા અને લાખાબાપાની કૃષ્ણભક્તિથી પ્રસન્ન થઈને કાળિયા ઠાકર શ્રીહરિ બાવળિયાળીની ધરતી પર ઊતર્યા હતા. ત્યારથી ભગવાન કૃષ્ણ અહીં વસે છે એવી શ્રદ્ધા છે. આ જગ્યા ભરવાડ સમાજ માટે, માલધારી, રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્રબિંદુ છે.