યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા
યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. આ છૂટાછેડાની બદલે ભરણપોષણના રૂપે ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવાની સંમતિ દર્શાવી હતી, જેનો 50 ટકા ભાગ ક્રિકેટરે આપી દીધો છે અને બાકીનો ભાગ ધનશ્રીને હવે મળશે.
બુધવારે ચહલની અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈ હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે પોતાનો ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે.
ગુરુવારે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ડાન્સર ધનશ્રી વર્મા ફેમિલી કોર્ટ પહોંચ્યા. બંને અલગ-અલગ કોર્ટની બહાર જોવા મળ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે પણ 20 માર્ચે ચહલ અને ધનશ્રીના છૂટાછેડાને મંજૂરી આપી હતી. બંનેના વકીલોએ કહ્યું કે બંનેના પરસ્પર છૂટાછેડા થયા છે.
બાર એન્ડ બેન્ચની વેબસાઇટ અનુસાર, ચહલ અને ધનશ્રીના લગ્નને ચાર વર્ષ થયા છે પરંતુ બંને છેલ્લા અઢી વર્ષથી અલગ રહે છે. હવે બંને વચ્ચે 4.75 કરોડ રૂપિયામાં સેટલમેન્ટ માટે વાતચીત થઈ છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ પણ માફ કરી દીધો હતો.
યુઝવેન્દ્ર ચહલે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેણે ધનશ્રીને સમાધાનની અડધી રકમ આપી દીધી છે. તેથી, તેમનો 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવો જોઈએ, જેને હવે હાઇકોર્ટે સ્વીકારી લીધો છે.
કૂલિંગ પિરિયડનો અર્થ એ છે કે છૂટાછેડાની અરજી પછી પતિ-પત્નીને 6 મહિના માટે થોડા સમય સાથે રહેવાનો આદેશ આપવામાં આવે છે. જેમાં બંને પક્ષોને છૂટાછેડા વિશે ફરીથી વિચારવાનો સમય આપવામાં આવે છે.
યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. વર્ષ 2023માં, યુઝવેન્દ્ર ચહલે તેના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે એક નવું જીવન આવી રહ્યું છે. આ પછી ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ યુઝર નામમાંથી ચહલ અટક દૂર કરી દીધી હતી. ત્યાર બાદ તેમના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ. જોકે, બાદમાં ક્રિકેટરે છૂટાછેડાના અહેવાલોને અફવા ગણાવી હતી.
નોંધનીય છે કે, કોરોના લોકડાઉનમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા એકબીજાના નજીક આવ્યા હતા. તે સમયે ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર હતી, તેથી ઑનલાઈન ડાન્સ ક્લાસ લેતી વખતે ચહલ તેના પ્રેમમાં પડી ગયો. ડિસેમ્બર 2020માં બંનેએ ખૂબ જ નજીકના મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા. પરંતુ થોડા સમય પછી મતભેદો શરૂ થયા. પછી બંને જૂન 2022થી અલગ રહેવા લાગ્યા.