ગુજરાતમાં પોલીસની ઝુંબેશ તેજ, 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે કડક કાર્યવાહી

gujaratPolice

રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ વડાના આદેશથી રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ વડાના આદેશથી રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ વડાના આદેશ અનુસાર, રાજ્યભરમાં 7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં બુટલેગરો, જુગારીઓ, શરીર સંબંધિત ગુનાઓ કરનારાઓ, મિલકત સંબંધિત ગુનાઓ કરનારાઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાને ક્યાંક નુકસાન કરનારા લોકો પોતે તો આર્થિક રીતે સદ્ધર થયા પરંતુ તેમણે સામાન્ય લોકોને નુકસાન કર્યું હોય તેવી અનેક વાતો સામે આવી છે. જેમાં ગુજરાતના 15 એવા કુખ્યાત ગુનેગારોની યાદી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં જુગાર, દારૂ, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો રૂપિયા ભેગા કરી પોતાની મિલકતો ભેગી કરનાર લોકોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદના મનપસંદ ક્લબ, સરદારનગરનો સાવન, ક્રિકેટ સત્તાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઊંઝા કે જેનો બંગલો સિંધુભવન રોડ પર હોય તેવું સામે આવ્યું છે. જેમાં પણ ગેરકાયદે બાંધકામ હોવાનું SMCએ શોધી કાઢ્યું છે. આ બધાની વચ્ચે હવે આ લોકોનાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

રાજ્યભરમાં 7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં 3246 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી ગુનેગારો, 958 મિલકત સબંધી, 179 માઇનિગ અને 545 અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે.

આ ઉપરાંત રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7 અને મોરબીમાં 12 લોકો સામે પાસા કરવામાં આવ્યા છે. 10 લોકો સામે હદપારી કરવામાં આવી છે, 724 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, 16 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને 81 વીજ ચોરીના કનેક્શન દૂર કરવામાં આવ્યા છે.