સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના થયા, જુઓ LIVE વીડિયો

sunitawilliams

સ્પેસક્રાફ્ટ લગભગ 28000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માત્ર 10 દિવસના મિશન પર અંતરિક્ષમાં ગયા હતા, પરંતુ આશરે નવ મહિના સુધી ત્યાં અટવાઈ ગયા હતા. ત્યારે હવે 9 મહિના અને 13 દિવસ પછી આવતીકાલે તેઓ પૃથ્વી પર પાછા ફરશે. આવતીકાલે વહેલી સવારે 3:27 વાગ્યે પાણીમાં લેન્ડ થશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના થઈ ગયા છે. તેમની સાથે નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પરત ફરશે. તેઓ બુધવારે સવારે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં સમુદ્રમાં ઉતરશે.

NASA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈ ગયા છે અને ભારતીય સમય પ્રમાણે મંગળવારે સવારે 8:15 વાગ્યે (IST) હેચ(દરવાજો) બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 10:35 વાગ્યે (IST) ડ્રેગન અવકાશયાન સફળતાપૂર્વક ISSમાંથી અનડોક થયું, અને પૃથ્વી પર પાછા ફરવાની તેની પ્રક્રિયા શરૂ થઈ. 19 માર્ચે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે ઊતરશે.

પૃથ્વી પર ઉતરતી વખતે સ્પેસએક્સ ડ્રેગન આગના ગોળામાં પરિવર્તિત થઈ જશે. આમ છતાં, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સહિતના તેમના સાથીદારો એકદમ સુરક્ષિત રહેશે. નાસા દ્વારા આ ઘટનાનું અંદાજિત સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. હવામાનને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે.

https://twitter.com/Space_Station/status/1901870214284743062#

સ્પેસક્રાફ્ટ લગભગ 28000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 18 હજાર ફૂટની ઊંચાઈએ હશે ત્યારે બે પેરાશૂટ ખુલશે, જેને લીધે સ્પેસક્રાફ્ટની ગતિ ધીમી થશે. સ્પેસક્રાફ્ટ અને પૃથ્વી વચ્ચેનું અંતર 6000 ફૂટ રહેશે ત્યારે મુખ્ય પેરાશૂટ ખુલીને સ્પેસક્રાફ્ટની ગતિ ઔર ધીમી પાડશે.

17 કલાકની મુસાફરી પૂર્ણ કર્યા પછી બુધવારે સવારે 3:27 વાગ્યે (IST) ફ્લોરિડાના દરિયાકાંઠા નજીક સમુદ્રમાં સ્પ્લેશડાઉન થશે. આ સમગ્ર યાત્રાનું નાસા દ્વારા લાઇવ કવરેજ કરવામાં આવી રહ્યું છે.

અંતરિક્ષયાત્રીઓ સ્પેસક્રાફ્ટના જે ભાગમાં બેઠા હોય છે એ ભાગને ‘કેપ્સ્યુલ’ કહેવાય છે. કેપ્સ્યુલ પાણીની સપાટી પર પટકાય એ પ્રક્રિયાને ‘સ્પ્લેશડાઉન’ એટલે કે ‘લેન્ડિંગ’ કહેવાય છે. ડ્રેગનનું સ્પ્લેશડાઉન ફ્લોરિડાના સમુદ્રમાં થશે.

‘સ્પ્લેશડાઉન’ થશે એ સમયે દરિયામાં એક રેસ્ક્યુ ક્રૂ તૈયાર જ હશે. તેઓ કેપ્સ્યુલ રિકવર કરીને તેમાં સવાર અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢશે. એ પછી ચારેય અંતરિક્ષયાત્રીઓને હ્યુસ્ટન ખાતેના ‘જ્હોનસન સ્પેસ સેન્ટર’ લઈ જવાશે.