રોઝા ન રાખવા બદલ મૌલાના રઝવીએ મોહમ્મદ શમીને ગણાવ્યો ગુનેગાર, તો શમીના ભાઈએ આપ્યો ઝડબાતોડ જવાબ

sami

મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે કહ્યું કે, આવા લોકો માત્ર ટીઆરપી માટે નિવેદનો આપે છે. જ્યાં સુધી મને લાગે છે, મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ.

ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો રમઝાનમાં એનર્જી ડ્રિંક પીતો ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ કેટલાક ઇસ્લામિક નિષ્ણાતો અને મૌલાનાઓએ મોહમ્મદ શમીની ટીકા કરી છે.

રમજાન દરમિયાન રોઝા ન રાખવા બદલ મૌલાનાઓએ મોહમ્મદ શમી પર રોઝાના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ શમીને ગુનેગાર ગણાવ્યો છે. રઝવીએ કહ્યું કે ફરજિયાત ફરજોમાંથી એક રોઝા હોય છે. જો કોઈ સ્વસ્થ પુરુષ કે સ્ત્રી ‘રોઝા’ ન રાખે તો તે મોટો ગુનેગાર ગણાય છે.

રઝવીએ વધુમાં કહ્યું કે, ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ શમીએ મેચ દરમિયાન પાણી અથવા અન્ય કોઈ પીણું પીધું હતું. લોકો તેમને જોઈ રહ્યા હતા. જો તે રમી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે તે સ્વસ્થ છે. આવી સ્થિતિમાં તેણે ‘રોઝા’ રાખ્યા નહીં અને પાણી પણ પીધું. તેનાથી લોકોમાં ખોટો સંદેશ જાય છે. તેણે ‘રોઝા’ ન પાળીને ગુનો કર્યો છે. તેણે શરિયતની નજરમાં ગુનેગાર બનવું પડશે.

ઇન્તેસાબ કાદરી ટ્રોલ કરનારાઓ પર થયા ગુસ્સે
આ મામલે મુસ્લિમ ધાર્મિક નેતા ઇન્તેસાબ કાદરી મોહમ્મદ શમીને ટ્રોલ કરનારાઓ પર ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે મોહમ્મદ શમી સતત એવા લોકો દ્વારા ટ્રોલ થઈ રહ્યો છે જે પોતે કંઈ નથી. જો કે શમીએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું અને રૂમની અંદર જઈને પાણી પીવું જોઈતું હતું. જો તમે તમારો રોઝા ચૂકી ગયા છો તો તમે ઈદ પછી ઉપવાસ રાખી શકો છો. ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શમી પાણી પીતો જોવા મળ્યો હતો.

મોહમ્મદ શમીના ભાઈએ મૌલાનાઓને આપ્યો જડબાતોડ જવાબ
હવે આ મામલે મોહમ્મદ શમીના ભાઈએ મૌલાનાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે કહ્યું કે, મને આવા નિવેદનો પર હસવું આવે છે. આવા લોકો માત્ર ટીઆરપી માટે નિવેદનો આપે છે. જ્યાં સુધી મને લાગે છે, મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ, જો કોઈ કોઈના હાથ નીચે હોય, જો આપણી ટીમ ક્યાંક બહાર જઈ રહી હોય, તો તેને રોઝામાં છૂટ આપવામાં આવી છે. મારું માનવું છે કે ઇમામ સાહેબના આ શબ્દોનો કોઈ અર્થ નથી.

મોહમ્મદ શમીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે
મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ને યાદ કરી, જ્યારે આખી પાકિસ્તાન ટીમ સાથે બેસીને કોફી પી રહી હતી. તેમણે કહ્યું કે, ત્યારે કોઈએ પાકિસ્તાની ટીમને ટ્રોલ નહોતી કરી, પરંતુ મોહમ્મદ શમીને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો છે, આ આપણા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તે આપણા માટે ખૂબ મહેનત કરીને રમી રહ્યો છે, પરંતુ તેને આ રીતે ટાર્ગેટ કરવો યોગ્ય નથી. પાકિસ્તાન તરફથી ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. મોહમ્મદ શમીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કારણ કે, તે સારું પ્રદર્શન કરી રહ્યો છે.

શમીના બાળપણના કોચે કહ્યું મૂર્ખાઈ જેવી વાત કરે છે
તે જ સમયે, શમીના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ આ ઝડપી બોલરનો બચાવ કર્યો અને કહ્યું કે આ ખૂબ જ મૂર્ખતાપૂર્ણ વાત છે. બાળક દેશ માટે રમે છે, એફર્ટસ લગાવવા પડે છે. આપણા ધર્મમાં ક્ષમા છે, એવું નથી કે સજા જ છે. જો તમે દેશ માટે રમી રહ્યા હોવ તો રોઝા રાખવાની જરૂર નથી. પહેલાનો જમાનો ગયો,હવે રમત અઘરી બની ગઈ છે. રોઝા દરમિયાન રમી શકતા નથી. આપણા ધર્મમાં કોઈ કડકતા નથી, જો તમે બીમાર હોવ અથવા કંઈક હોય તો તમે તેને પછીથી પૂર્ણ કરી શકો છો.