ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યુ, ODI વર્લ્ડ કપ 2023ની હારનો બદલો લીધો, ફાઈનલમાં કરી એન્ટ્રી

teamIndia

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી માત આપીને ફાઈનલમાં એન્ટ્ર કરી લીધી છે. 9 માર્ચે ભારતીય ટીમનો મુકાબલો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો 5 માર્ચે ન્યુઝીલેન્ડ સામે થશે. ઓસ્ટ્રેલિયાને હરાવવાની સાથે જ ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.

ઓસ્ટ્રેલિયાએ આપેલા 265 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની 84 રનની શાનદાર ઈનિંગની મદદથી 48.1 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઈનલમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેણે 84 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે.

મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં કોહલીએ રન ચેઝમાં 3 મોટી ભાગીદારી પણ કરી હતી. તેણે શ્રેયસ અય્યર સાથે 91 રનની, અક્ષર પટેલ સાથે 44 રન અને કેએલ રાહુલ સાથે 47 રન રન બનાવ્યા. આ પાર્ટનરશિપે રન ચેઝને સરળ બનાવ્યો. અંતે, હાર્દિક પંડ્યાએ ઝડપી 28 રન બનાવ્યા અને કેએલ રાહુલે છગ્ગો ફટકારીને જીત અપાવી. તે 42 રન બનાવીને અણનમ પરત ફર્યો.

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સ્ટીવ સ્મિથે 96 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેના સિવાય એલેક્સ કેરીએ 57 બોલમાં 61 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની ભૂલને કારણે રનઆઉટ થયો હતો. શ્રેયસ અય્યરના રોકેટ થ્રોએ તેને પેવેલિયનમાં મોકલી દીધો હતો. ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ શમીએ 3 વિકેટ, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ડેબ્યૂ મેચ રમી રહેલા કૂપર કોનોલીએ પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો. ભારતીય ટીમના સૌથી મોટા બેટ્સમેન ટ્રેવિસ હેડ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. હેડે 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 29, જોસ ઈંગ્લિસે 11 અને ગ્લેન મેક્સવેલે 7 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. તેના સિવાય વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ પણ 1-1 વિકેટ લીધી હતી.