ઝડપાયેલ આતંકવાદી અબ્દુલ ઘણા દિવસોથી ફરીદાબાદના પાલી ગામમાં બદલાયેલા નામથી રહેતો હતો
ગુજરાત ATSએ હરિયાણા STF અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સાથે મળીને હરિયાણાનાં ફરીદાબાદમાંથી એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ યુવકનું નામ અબ્દુલ રહેમાન છે અને તેની ઉંમર 19 વર્ષ છે. તેની પાસેથી બે હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, કેન્દ્રીય એજન્સીની માહિતીનાં આધારે ગુજરાત ATS અને હરિયાણા STF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે હરિયાણાના ફરીદાબાદના સોહના રોડ પર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરવામાં આવતા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ નજીક હેન્ડ ગ્રેનેડ છૂપાવ્યા હોવાની વિગતો મળી હતી. જેની તપાસ કરતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
ઝડપાયેલ આતંકવાદીનું નામ અબ્દુલ રહેમાન, ઉમર 19 વર્ષ તેમજ તે ઉત્તરપ્રદેશનાં ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી હોવાનું પુછપરછમાં જાણવા મળેલ છે. અબ્દુલ રહેમાન સોશિયલ મીડિયા થકી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો. તેની પાસેથી કેટલાક શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાંક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે.
જે અંગે તેની કડક પૂછપરછ કરવામાં આવતા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં હેન્ડ ગ્રેનેડ છૂપાવ્યા હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા યુપીમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ઝડપાયેલા આતંકી સામે હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી રહી છે. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ હતી. હવે તપાસ એજન્સીઓ અહીં યુવક કયા લોકોના સંપર્કમાં હતો એની માહિતી એકઠી કરી રહી છે. તે અહીં કેટલો સમય રહ્યો, કોની સાથે રહ્યો, શું કરી રહ્યો અને કોને મળ્યો? તપાસ બાદ પોલીસ ખુલાસો કરશે.
મળતી માહિતી મુજબ અબ્દુલ ઘણા દિવસોથી ફરીદાબાદના પાલી ગામમાં બદલાયેલા નામથી રહેતો હતો. અને માંસ-મટન વેચવાનું કામ કરતો હતો. જ્યારે ટીમે તેને પકડ્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પકડાઈ ગયો હતો. માહિતી મળતા જ ફરીદાબાદ પોલીસની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ હતી. NITની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની માહિતી લીધી હતી.
ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે, જે આતંક ફેલાવી રહ્યું છે. આ સંદર્ભમાં હરિયાણા નજીક 2 આતંકવાદી વિશે માહિતી મળી હતી અને એ સદર્ભે આ ઓપરેશન કરાયું હતું. જેમાં 19 વર્ષીય અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા યુવક વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.