ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “ઝેલેન્સકીએ ઓવલ ઓફિસનું અપમાન કર્યું છે. જ્યારે તેઓ શાંતિ માટે તૈયાર હોય ત્યારે પાછા આવી શકે છે.”
શુક્રવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત થઈ હતી. ઝેલેન્સકીની ટ્રમ્પ સાથેની આ મુલાકાત સંપૂર્ણ નિષ્ફળ રહી હતી. બંને નેતા વચ્ચે શુક્રવારે 40 મિનિટ સુધી શાંતિથી વાતચીત થઈ, પણ જ્યારે છેલ્લી 10 મિનિટ ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથેની દલીલ બાદ ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથે ખનિજ ડીલ પર કોઈ ચર્ચા થઈ શકી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિને અત્યંત ખરાબ વાતાવરણમાં વ્હાઇટ હાઉસ છોડવું પડ્યું. આ ઘટનાક્રમથી અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉગ્ર ચર્ચા બાદ ઝેલેન્સ્કી વાતચીત અધવચ્ચે છોડીને જ ઓવલ ઓફિસમાંથી બહાર બીજા રૂમમાં જતા રહ્યા હતા, જ્યારે અમેરિકી ટીમ ત્યાં રોકાઈ રહી. આ દરમિયાન ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ વેન્સ, વિદેશમંત્રી રુબિયો અને NSA માઇક વોલ્ટ્ઝ સાથે વાતચીત કરી.
ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ઝેલેન્સ્કી વાતચીતની પરિસ્થિતિમાં નથી. ત્યાર બાદ તેમણે માઇક વોલ્ટ્ઝ અને રુબિયોને કહ્યું હતું કે તેઓ જ જઈને ઝેલેન્સ્કીને કહી દે કે તેમના રવાના થવાનો સમય થઈ ગયો છે. ત્યાર બાદ ઝેલેન્સ્કી પોતાની બ્લેક એસયુવીમાં હોટલ જવા રવાના થઈ ગયા. બંને નેતાઓ વચ્ચે ખનિજો અંગે એક સોદો થવાનો હતો, પરંતુ વાટાઘાટો રદ કરવામાં આવી હતી.
આ બંને અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઝેલેન્સ્કીએ તેમને કહ્યું હતું કે તેઓ દરેક વસ્તુ ઠીક કરી શકે છે. ઝેલેન્સ્કીએ ફરીથી ટ્રમ્પ સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ તેમને આ તક મળી નહીં. બંને નેતાની જોઇન્ટ પ્રેસ-કોન્ફરન્સ પણ થવાની હતી, જેને રદ કરી દેવામાં આવી.
ઝેલેન્સકીની મુલાકાતનું વાતાવરણ કેટલું ખરાબ હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ તેણે તેના બે જાહેર કાર્યક્રમો રદ કર્યા હતા. X પર અમેરિકાનો આભાર માનતા તેમણે લખ્યું કે યુક્રેનને કાયમી શાંતિની જરૂર છે અને અમે તેના માટે કામ કરી રહ્યા છીએ.
જ્યારે ઝેલેન્સકી શાંતિ માટે તૈયાર હોય ત્યારે જ પાછા આવે
ટ્રમ્પે બેઠક બાદ કહ્યું કે, ‘ઝેલેન્સકીએ ઓવલ ઓફિસનું અપમાન કર્યું છે. જ્યારે તે શાંતિ માટે તૈયાર હોય ત્યારે તેઓ પાછા આવી શકે છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમારી યોજના ખનિજ સોદા પર હસ્તાક્ષર કરવાની હતી અને શાંતિ તરફ આગળ વધવા માટે આર્થિક ભાગીદારી શરૂ કરવાની હતી.