રમઝાન પહેલા પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, પાંચ લોકોના મોત, આતંકી સંગઠનો પર શંકા

pakistanBlast
  • હુમલો મૌલાના હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કર્યો હોવાનું અનુમાન
  • અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી

રમઝાન મહિનાની શરૂઆત પહેલાં પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો, આ હુમલામાં તાલિબાનના ગોડફાધરના પુત્ર હમીદુલ હક હક્કાનીનું મોત થયું છે. આ ઉપરાંત 4 વધુ લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાનના જામિયા હક્કાનિયા મદરેસામાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટખ જિલ્લામાં થયો હતો. તેમણે કહ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના રમઝાન મહિનાની શરૂઆત પહેલા બની હતી.

https://twitter.com/sujitnewslive/status/1895421718174519494#

પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ મૃતકો અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ પ્રારંભિક તપાસમાં આ આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે મદરેસા પર વિસ્ફોટ થયો હતો તે અફઘાન તાલિબાન સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે. આ કારણે, એવી આશંકા છે કે આ હુમલા પાછળ આતંકવાદી સંગઠનોનું કાવતરું હોઈ શકે છે.

મુખ્ય સચિવ શાહાબ અલી શાહે જણાવ્યું હતું કે વિસ્ફોટ ‘દારુલ ઉલૂમ હક્કાનીયા’ નામના મદરેસામાં થયો હતો, જેમાં નૌશેરા જિલ્લાના અકોરા ખટ્ટક સ્થિત જમિયત ઉલેમા ઇસ્લામ (સામી જૂથ)ના વડા અને મદરેસા-એ-હક્કાનીયાના સંભાળ રાખનાર હમીદુલ હક હક્કાનીનું મૃત્યુ થયું હતું. હમીદુલ હકને તેમના પિતા મૌલાના સમી ઉલ હકના અવસાન પછી JUI (સામી ગ્રુપ) ના વડા બનાવવામાં આવ્યા હતા. તેમનો જન્મ ૧૯૬૮માં થયો હતો. ખૈબર પખ્તુનખ્વાના આઇજીના જણાવ્યા અનુસાર, આ હુમલો મૌલાના હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કર્યો હતો.

ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે પોલીસને શંકા છે કે આ હુમલો આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો અને હમીદુલ હક તેનું નિશાન હતો. તેમણે કહ્યું, “અમે હમીદુલ હકને છ સુરક્ષા ગાર્ડ પૂરા પાડ્યા હતા. નૌશેરા જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યો આતંકવાદ સામેની તેમની સરકારના સંકલ્પને નબળો નહીં પાડી શકે. તેમણે દેશમાંથી આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

સમા ટીવીના અહેવાલ મુજબ, પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે એ એક આત્મઘાતી બોમ્બવિસ્ફોટ હતો. આમાં મસ્જિદના એક ભાગને પણ નુકસાન થયું છે.

મૌલાના હમીદુલ હક્કાની તાલિબાનના ગોડફાધર મૌલાના સમી-ઉલ-હક હક્કાનીના મોટા પુત્ર છે. વરિષ્ઠ હક્કાની અફઘાન તાલિબાનના કટ્ટર સમર્થક હતો. તેણે 1947માં પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મદરેસાઓમાંના એક, દારુલ ઉલૂમ હક્કાનિયાની સ્થાપના કરી. મૌલાના સમીઉલ હક્કાનીની 2018માં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી.

દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસા સુન્ની ઇસ્લામની હનાફી દેવબંદી શાળાનો પ્રચાર કરે છે. મૌલાના અબ્દુલ હકે ભારતના દારુલ ઉલૂમ દેવબંદ મદરેસાની તર્જ પર આ મદરેસાની સ્થાપના કરી હતી. દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસાને તેની કાર્યપદ્ધતિ, શિક્ષણ સામગ્રી અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભાવિ વ્યવસાયોને કારણે “જેહાદ યુનિવર્સિટી” તરીકે ઓળખવામાં આવે છે. આ મદરેસામાં તાલિબાનના ભૂતપૂર્વ વડા અખ્તર મન્સૂર સહિત આતંકવાદી સંગઠનના ઘણા અગ્રણી સભ્યોએ અભ્યાસ કર્યો છે.

જામિયા હક્કાનિયા મદરેસા પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ મદરેસાના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવણીનો આરોપ છે, જોકે મદરેસાએ હુમલાખોરો સાથે કોઈપણ પ્રકારના સંબંધો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. નૌશેરા અને પેશાવર બંને હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર અને રાજ્યપાલ ફૈઝલ કરીમ કુંડીએ આત્મઘાતી હુમલાની નિંદા કરી છે. જમિયત ઉલેમા-એ-ઇસ્લામના નેતાઓએ ઘાયલો માટે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે.

રમઝાન પહેલા હુમલો
આ બોમ્બ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે મુસ્લિમ સમુદાય રમઝાનની તૈયારીમાં વ્યસ્ત હતો. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન મહિનો શનિવાર અથવા રવિવારે શરૂ થઈ શકે છે, જે ચાંદ જોવાના આધારે હોઈ શકે છે.