થોડા દિવસ પહેલા મંત્રીના પૌત્રને સાઇડ આપવા બાબતે રીક્ષા ચાલકે માર માર્યો હતો, જેનો બદલો લેવા મંત્રીના પુત્રો કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે માર માર્યો
આજકાલ અસામાજિક તત્ત્વો બેફામ બન્યાં હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાને દરરોજ તમાચો પડી રહ્યો છે, ત્યારે આવી જ એક ઘટના ફરી સામે આવી છે. જે મુજબ મોડાસામાં મંત્રીના પુત્રોએ સ્કૂટી લઈને જતા યુવકને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ અરવલ્લી જિલ્લાનાં મોડાસામાં 17મી ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે ઝઘડો થતા રિક્ષાચાલકે મંત્રીના પૌત્રને માર માર્યો હતો. જેનો બદલો લેવા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો કિરણસિંહ અને રણજિતસિંહે આ યુવકને શોધીને ઢોર માર માર્યો હતો. આ બંને ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રોએ રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો સ્કૂટી પર જતા બે લોકોને રોકે છે. ત્યારબાદ અચાનક સ્કૂટીચાલક યુવકને વાળ પકડીને ઉપરા ઉપરી ફડાકા ઝીંકી દે છે. તેને સ્કૂટી પરથી નીચે ઉતારી માર મારવા લાગે છે, અન્ય વ્યક્તિ ડંડા અને બેટ વડે તેને ફટકારે છે. આ દરમિયાન અન્ય કેટલાક લોકો પણ એક ગાડીમાંથી લાકડીઓ લઇને આવે છે અને યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે. આમ, સમગ્ર વીડિયોમાં મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમારે અને બીજેપી યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલે મળી યુવકને ઢોરમાર મારતા હોય એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.