તેલંગાણામાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો, 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

telanganaTunnelCollasps

તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. તેલંગાણામાં નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની નિર્માણાધીન ટનલની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દૂર્ઘટનામાં 6 થી 8 મજૂરો અંદર ફસાયા હોવાની આશંકા છે. આ અકસ્માત ટનલના પ્રવેશ બિંદુથી 14 કિમી અંદર થયો હતો. કન્સ્ટ્રક્શન કંપનીની ટીમ દ્વારા કામદારો ફસાયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે કન્સ્ટ્રક્શન કંપનીની ટીમ મૂલ્યાંકન કરવા ટનલની અંદર ગઈ છે અને કામદારો ફસાયા હોવાની પુષ્ટિ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે કામમાં લાગેલ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 6 થી 8 કામદારો ફસાયા હોવાની આશંકા છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે 50 કામદારો ઘટનાસ્થળે હાજર હતા. તેમાંથી 43 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, છતનો લગભગ ત્રણ મીટર ભાગ તૂટી પડ્યો છે. ટનલનું કામ લાંબા સમયથી અટકેલું હતું. ચાર દિવસ પહેલા જ ફરી કામ શરૂ થયું હતું.

જ્યારે અન્ય એક અધિકારીનાં નિવેદન મુજબ આ ઘટના એવા સમયે બની જ્યારે કેટલાક કામદારો કામ માટે અંદર ગયા હતા, ત્યારે ટનલની અંદર 12-13 કિલોમીટર અંદર છત તૂટી પડી હતી.

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ટનલ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. જિલ્લા કલેક્ટર, એસપી, ફાયર વિભાગ, હાઇડ્રા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરેલા નિવેદનમાં સંકેત આપવામાં આવ્યો છે કે કેટલાક લોકો ઘાયલ થયા છે, પરંતુ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ રાજ્યના સિંચાઇ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડી, સિંચાઈ અંગેના સરકારી સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ઘટના સ્થળે જવા રવાના થયા છે.

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા ઘટનાના કારણોની પૂછપરછ કરી હતી અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તેમજ ઘાયલોને સારવાર અપાવવા અધિકારીઓને આદેશ આપ્યો હતો.