ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે એ બધાને ખબર છે. પરંતુ, જાણતા અજાણતા દૈનિક જીવનમાં પણ અંગ્રેજી શબ્દપ્રયોગ કે જેમાં વાતચીત એટલી અસરકારક ભાવથી નથી થતી છતાં આધુનિક અને ભણેલા દેખાડવા માટે કરાય છે.
ભાષા એ લોકો સાથે વાતચીત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે અને આ માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા બોલવામાં શરમ ન આવે પરંતુ ગર્વ અનુભવાય.
માતૃભાષા નો અર્થ શુ?
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.
દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999 ના રોજ કરવામાં આવી હતી અને 2000 માં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું. લોકોમાં પ્રેમ, જાળવણી અને ભાષાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન સરકારની ભાષા નીતિ સામે વિરોધ કર્યો અને બંગાળી ભાષામાં શિક્ષણની માગ કરી, જવાબમાં સરકારે દમનકારી નીતિ અપનાવીને આંદોલનને કચડી નાંખવા પ્રયાસ કર્યો જેમાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. અલગ બાંગ્લાદેશના સર્જન બાદ બાંગ્લાદેશ સરકારે 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા તરીકે ઉજવાય એના પ્રયાસરૂપે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મોકલ્યો. અંતે વર્ષ 2000થી 21 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે.
ગુજરાતી ભાષા સામેના પડકારો?
આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે.
બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાની એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.
યુનેસ્કોના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં 6000 ભાષાઓ બોલાય છે. બંધારણ મુજબ ભારતમાં 22 ભાષાઓને માન્યતા છે. જ્યોરે 121 ભાષાઓ છે જે બોલવામાં અને સમજાય છે. તેમાંથી સૌથી વધારે લોકોની માતૃભાષા હિન્દી છે. ભારતમાં રાજ્ય પ્રમાણે તેમની માતૃભાષા અલગ અલગ છે.
ઘણા લોકો સ્કૂલમાં અંગ્રેજી ભણ્યા વગર અંગ્રેજી બોલતા હોય છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા કે જે બાળકના વિચારમાં, મગજમાં, હૃદયમાં સહજ અંકિત હોય છે તેમાં અપાય તો તેનો મૌલિક વિકાસ (માત્ર ટકાવારી નહીં) વધુ સારો થઈ શકે તેવો એક મત છે. વૈશ્વિક ભાષા તરીકે અને પ્રચલિત હોવાના કારણે અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે અને ઘણા લોકો સ્કૂલમાં અંગ્રેજી ભણ્યા વગર અંગ્રેજી બોલતા હોય છે. દક્ષિણના અનેક રાજ્યોમાં આજે મોટાભાગની દુકાનો ઉપર સ્થાનિક માતૃભાષામાં લખાયેલા બોર્ડ હોય છે. પરંતુ, ગુજરાતના મોટા શહેરોમાં તો હવે અંગ્રેજી શબ્દો અને લગ્ન સહિતના આમંત્રણ પણ અંગ્રેજીમાં આપવાનું સહજ થઈ ગયું છે. અને આમ છતાં આજે માતૃભાષા દિવસ ઉજવશે.