ટ્રેલર, કન્ટેનર ટ્રેલર અને ખાનગી બસ વચ્ચે ઓવરટેક કરવા જતાં ત્રિપલ અકસ્માત થયો હતો.
ગુજરાતનાં કચ્છ જિલ્લામાં ત્રિપલ અકસ્માત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
કચ્છનાં ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી બસ, ટ્રેલર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે અને આશરે 15 જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર કેરા-મુન્દ્રા વચ્ચે ભુજથી મુંદ્રા તરફ જતી એક ખાનગી બસ ટ્રેલરની ઓવરેટ કરવા જતા આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો. અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને 108 પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.
ત્રિપલ અકસ્માતની જાણ થતાં કલેક્ટર અમિત અરોરાએ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, પાંચના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણની હાલત ગંભીર છે. અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બસમાં મુસાફરોની સંખ્યા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરશે.