ટ્રમ્પે ઝેલેન્સકી પર રશિયા-યુક્રેન યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો, તો ઝેલેન્સકીએ ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઝેલેન્સકીને “સરમુખત્યાર” કહ્યા છે. ટ્રમ્પે ઝેલેન્સકી પર રશિયા-યુક્રેન યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, પહેલીવાર ટ્રમ્પે ખુલ્લેઆમ યુક્રેનિયન રાષ્ટ્રપતિ માટે કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો અને તેમને મામૂલી કોમેડિયન કહ્યા.
ટ્રમ્પે ઝેલેન્સકી પર ગંભીર આરોપ લગાવ્યા
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, “કલ્પના કરો કે, વોલોડીમીર ઝેલેન્સકી નામના એક મામૂલી કોમેડિયન વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાને એવા યુદ્ધ પર $350 બિલિયન ખર્ચવા માટે મજબૂર કર્યું જે ક્યારેય ન થવું જોઈએ અને ક્યારેય જીતી શકાય નહીં. જો અમેરિકા અને ‘ટ્રમ્પ’ ન હોત, તો ઝેલેન્સકી ક્યારેય આનો ઉકેલ લાવી શક્યા ન હોત. અમેરિકાએ યુરોપ કરતાં $200 બિલિયન વધુ ખર્ચ કર્યા છે, પરંતુ આપણને કંઈ મળી રહ્યું નથી.” તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ઊંઘતા રહ્યા અને પૈસાના ખર્ચ અંગે યુરોપ સાથે સમાનતા પર વાત કરી નહીં. “આ યુદ્ધ આપણા કરતાં યુરોપ માટે ઘણું મહત્વનું છે. આપણી પાસે એક મોટો, સુંદર સમુદ્ર છે જે આપણને (રશિયાથી) અલગ કરે છે,”
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઝેલેન્સ્કીએ પોતે સ્વીકાર્યું છે કે અમેરિકા પાસેથી મળેલી આર્થિક મદદનો અડધો હિસ્સો ગાયબ થઈ ગયો છે. તેમણે ઝેલેન્સ્કી પર ચૂંટણી ન યોજવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે યુક્રેનમાં તેઓ અત્યંત અપ્રિય થઈ ગયા છે. ટ્રમ્પે લખ્યું, ‘ઝેલેન્સ્કીએ ચૂંટણી યોજવાનો ઈનકાર કરી દીધો, યુક્રેનના પોલમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું, અને એકમાત્ર ચીજ કે જેમાં તેઓ સારા હતા, તે-બાઈડેનને વાજાંની જેમ વગાડવા. ઝેલેન્સ્કી એક સરમુખત્યાર છે, જેઓ ચૂંટણી યોજવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમણે જલદી પગલાં લેવાં પડશે નહીંતર તેમની પાસે દેશ પણ નહીં બચે.’
ટ્રમ્પે આગળ લખ્યું, “આ દરમિયાન, અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે સફળતાપૂર્વક વાટાઘાટો કરી રહ્યા છીએ. આ એવી વસ્તુ છે જે બધા માને છે કે ફક્ત “ટ્રમ્પ” અને ટ્રમ્પ વહીવટીતંત્ર જ કરી શકે છે. બિડેને ક્યારેય પ્રયાસ કર્યો નથી, યુરોપ શાંતિ લાવવામાં નિષ્ફળ ગયું છે, અને ઝેલેન્સકી કદાચ “કંઈપણ કર્યા વિના પૈસા કમાવવા” ચાલુ રાખવા માંગે છે. મને યુક્રેન ગમે છે, પરંતુ ઝેલેન્સકીએ ભયંકર કામ કર્યું છે, તેમનો દેશ તૂટી ગયો છે, અને લાખો લોકો બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા છે – અને તે ચાલુ રહે છે…..”
ઝેલેન્સકીએ ટ્રમ્પના દાવાઓને નકારી કાઢ્યા
અગાઉ, કિવમાં પત્રકારો સાથે વાત કરતા, ઝેલેન્સકીએ ટ્રમ્પની ટિપ્પણીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેઓ “ખોટી માહિતી” ના પ્રભાવ હેઠળ છે. “દુર્ભાગ્યવશ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયન પ્રચારના પ્રભાવ હેઠળ છે. અમેરિકન લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો છે અને અમે તેની પ્રશંસા કરીએ છીએ. પરંતુ યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેનની ભાગીદારી જરૂરી છે,”
રશિયા પ્રત્યે ટ્રમ્પના નરમ વલણ પર પ્રશ્નો ઉભા થયા
ટ્રમ્પ અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ “શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થવું જોઈએ,” ભલે તેનો અર્થ યુક્રેનને તેની જમીન છોડવી પડે. ટ્રમ્પના વલણથી કિવ અને તેના પશ્ચિમી સાથીઓ ચિંતિત છે. ટ્રમ્પના તાજેતરના વલણથી અમેરિકા અને તેના સાથી દેશો વચ્ચે ચિંતા વધી છે, કારણ કે તેમણે એમ પણ કહ્યું હતું કે યુક્રેન “કોઈપણ સમયે રશિયાનો ભાગ બની શકે છે.”