રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી અને પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમ, કાલે યોજાશે શપથગ્રહણ સમારોહ

rekhaGupta

રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે, રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના 11 દિવસ બાદ આજે દિલ્હીનાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમ બનશે, જ્યારે વિજેન્દ્ર ગુપ્તા વિધાનસભા અધ્યક્ષ રહેશે.

વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના 11 દિવસ બાદ આજે સાંજે 7 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં સીએમ પદ માટે રેખા ગુપ્તા અને ડેપ્યુટી સીએમ માટે પ્રવેશ વર્માનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે પાર્ટી કાર્યાલયમાં એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી તેમના નામ જાહેર કર્યા.

હવે આવતી કાલે સવારે 11.00 કલાકે રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. સીએમની સાથે 7 મંત્રીપણ શપથ લઈ શકે છે. નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સાથે ભાજપ સરકારની રચના થશે. આ અંગેની તૈયારીઓ પણ તેજ ગતિએ ચાલી રહી છે. કાર્યક્રમમાં 30 હજાર મહેમાન આવવાની આશા છે.

કોણ છે રેખા ગુપ્તા ?

રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે. તેમની રાજકીય સફર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) થી શરૂ થઈ હતી. વિદ્યાર્થી રાજકારણમાં સામેલ હોવા છતાં, તેઓ દિલ્હી યુનિવર્સિટીના સેક્રેટરી તરીકે ચૂંટાયા. રેખા ગુપ્તાનો જન્મ હરિયાણાના જુલાનામાં થયો હતો પરંતુ તેમના પિતાની નોકરીને કારણે તેમનો પરિવાર દિલ્હી રહેવા ગયો. દિલ્હીમાં વૈશ્ય સમુદાય ખૂબ મોટો છે, અને આ સમુદાય ભાજપની મુખ્ય મતબેંક પણ છે. હાલમાં દેશમાં ભાજપની કોઈ મહિલા મુખ્યમંત્રી નથી, આવી સ્થિતિમાં રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવીને ભાજપે મહિલાઓને એક સારો સંદેશ આપ્યો છે.