માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે, ત્યારે હોસ્પિટલના ડાયરેક્ટરે અમારા કેમેરા હેક થયા હોવાનું કહ્યું હતું.
રાજકોટ સ્થિત પાયલ મેટરનિટી હોમ્સમાં સારવાર મેળવી રહેલી મહિલાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા યુટ્યુબ-ટેલીગ્રામ પર વાયરલ થયા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાને લઈ અમદાવાદ સાઈબર ક્રાઈમે ફરિયાદ દાખલ કરી વ્યાપક તપાસ હાથ ધરી છે.
ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હૉસ્પિટલના સ્ટાફ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાયવસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે.
રાજકોટમાં આવેલી પાયલ મેટરનિટી હોમમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર વાઈરલ થતાં ભારે હોબાળો મચ્યો છે. વાઈરલ વીડિયો અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હોસ્પિટલના એડમિન સ્ટાફ સહીત તમામ ડોક્ટરોને નિવેદન માટે બોલાવી પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટની હોસ્પિટલના ડાયરેક્ટરે સીસીટીવી હેક થયા હોવાનું કહી બચાવ કર્યો હતો.
સ્વાસ્થ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે…
આ દરમિયાન ગુજરાત રાજ્યન સ્વાસ્થ મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈ સાઈબર ક્રાઈમ તપાસ કરી રહી છે તથા તેનો લગતી ટેકનિકલ બાબતોને પણ વ્યાપક પ્રમાણમાં તપાસવામાં આવી રહી છે, ત્યારબાદ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.
મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવા તજવીજ
હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયના વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાન પર આવતાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમના હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટેલિગ્રામનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક ગાયનેક દ્વારા હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. આ ગ્રુપમાં કોઈને જોડાવું હોય તો એ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાઇરલ થાય એ મહિલાની પ્રાઈવેસીનો ભંગ છે. એ બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમારી હોસ્પિટલના સીસીટીવી હેક થયા- ડો. સંજય દેસાઈ
પાયલ મેટરનિટી હોમના ડાયરેક્ટર ડો. સંજય દેસાઈએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલ સાથે ઘણા ગાયનેક ડોક્ટર જોડાયેલા છે. આ બધું અમારી જાણ બહાર હતું. અમારા સીસીટીવી કોઈએ હેક કર્યા છે. અમે ફરિયાદ કરવાના છીએ. મહિલાઓને ઈન્જેક્શન મારવાના રૂમમાં સીસીટીવીને લઈ સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી કારણોસર ત્યાં રાખ્યા છે, પણ ક્યાંય ડિસ્પ્લે કરતા નથી.
વીડિયો કેવી રીતે વાઇરલ થયા તે મને ખબર નથી: ડો. અમિત અકબરી
પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત અકબરીએ જણાવ્યું હતું કે, આજે મીડિયાના માધ્યમથી મને જાણ થઇ છે. અમારી હોસ્પિટલના વીડિયો કેવી રીતે વાઇરલ થયા તે મને ખબર નથી. અમારા સીસીટીવી સર્વર હેક થયું હોય તેવું લાગી રહ્યું છે. અમને પણ ખબર નથી કે આ કેવી રીતે અને ક્યારે થયુ. અમે પોલીસને જાણ કરીશું. પોલીસ ફરિયાદ પણ કરીશું અને તમામ મુદ્દે તપાસમાં સહકાર આપીશું.
શું કહી રહી છે પોલીસ?
સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયા જણાવ્યું હતું કે 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બનાવીને આ વીડિયો વાઈરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો કોણે અને કયા ઉદ્દેશથી ઉતાર્યો એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ આઇટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે.
આ ઘટના પછી હોસ્પિટલની ભૂમિકા પણ શંકાના દાયરામાં લાગી રહી છે. કારણ કે હોસ્પિટલમાંથી સીસીટીવી કેમેરો દૂર કરી દેવામાં આવ્યો છે. ડોક્ટરોના કહેવા મુજબ જો સર્વર હેક થયી હોય તો રૂમમાંથી હવે કેમેરો દૂર કરવાની જરૂર શા માટે પડી?