જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં LoC નજીક લાલોલી વિસ્તારમાં IED વિસ્ફોટ થયો છે. આમાં સેનાના બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સેના હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LoC નજીક મંગળવારે બપોરે લગભગ 3:30 સલાકે ખૌર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેતા કેરી બટ્ટલ એરિયામાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. તેમાં 3 જવાનો ઘાયલ થઈ ગયા હતા, તેમને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામં આવ્યા હતા. તેમાંથી બે જવાન સારવાર દરમ્યાન શહીદ થઈ ગયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે.
સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના વધુ જવાનો પહોંચ્યા અને આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
IED આતંકવાદીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવ્યો હતો કે પછી LoC નજીક સેના દ્વારા લગાવવામાં આવેલી ઘૂસણખોરી વિરોધી લેન્ડલાઇન પર આકસ્મિક પગ મૂકવાને દુર્ઘટના બની તે જાણી શકાયું નથી.’
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘વ્હાઇટ નાઈટ કોર્પ્સ બે બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. બે શહીદ સૈનિકોમાં એક કેપ્ટન રેન્કનો અધિકારી પણ છે.
સેનાના સૂત્રોએ દાવો કર્યો છે કે શહીદ સૈનિકોના નામ કેપ્ટન કેએસ બક્ષી અને મુકેશ છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે લેન્ડમાઈન વિસ્ફોટમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અને ગોરખા રાઈફલ્સના છ સૈનિકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ભવાની સેક્ટરના માકરી વિસ્તારમાં થયો હતો.