રણવીર અલ્લાહબાદિયા, અપૂર્વ મખીજા, સમય રૈના અને શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના આયોજકો સામે ફરિયાદ દાખલ, વિવાદ વધતાં માગી માફી

ranveerAllahbadia

યુટ્યુબ પર સ્ટ્રીમ થતા ‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’ નામના શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં ‘અપમાનજનક ભાષા’નો ઉપયોગ કરવા બદલ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અપૂર્વ મખીજા, કોમેડિયન સમય રૈના અને શોના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગમાં દાખલ કરાયેલી ફરિયાદમાં, તેમના પર યુટ્યુબ પર સ્ટ્રીમ થતા ‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’ નામના શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસને મળેલી ફરિયાદમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

એડવોકેટ આશિષ રાયે કહ્યું –
એક શોમાં યુટ્યુબર રણવીર અલ્લાહબાડિયાની ટિપ્પણી પર થયેલા વિવાદ પર, એડવોકેટ આશિષ રાય કહે છે, “‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના કેટલાક વાયરલ વીડિયો અંગે મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવવામાં આવી છે. અશ્લીલ ભાષાવાળા ઘણા બધા વીડિયો છે જે કોઈપણ સામાન્ય વ્યક્તિને અસ્વસ્થ કરી શકે છે. બે દિવસ પહેલા, એવા વીડિયો સામે આવ્યા હતા જે અશ્લીલ અને અભદ્ર છે. અમે NCW અને મહારાષ્ટ્રના મહિલા આયોગના પ્રમુખોને પણ લેખિત ફરિયાદ આપી છે…”

આ વીડિયો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાઓ વિશે ગંદી વાતો કહેવામાં આવી હતી. એટલું જ નહીં, આ નિવેદનો પછી ત્યાં હાજર લોકો હસતાં પણ જોવા મળ્યાં, જે સ્પષ્ટ કરે છે કે તેમના ઇરાદા મહિલાઓ પ્રત્યે આદરપૂર્ણ નહોતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોનો હેતુ ફક્ત લોકપ્રિયતા મેળવવાનો હતો. મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરીને, આ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પૈસા કમાવવા માગે છે. આ તો સીધો ગુનો છે.

સમાજ કે કોઈપણ વર્ગ વિરુદ્ધ ગંદાં નિવેદનો આપવા એ કાયદાકીય રીતે પણ ખોટું છે. ખાસ કરીને જ્યારે આ કન્ટેન્ટ નાના બાળકો સુધી પણ પહોંચી શકે છે, કારણ કે આ વીડિયોઝ કોઈપણ વ્યક્તિ ઓનલાઈન સરળતાથી એક્સેસ કરી શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર ફક્ત મોટા ચહેરાઓ જ આવી હરકતો કરી રહ્યા છે, જેમના ફોલોઅર્સમાં અમારા અને તમારા ઘરના બાળકો પણ સામેલ છે. આવી સ્થિતિમાં, તેની સીધી અસર લોકો પર પડે છે. આ કારણોસર, આ ફરિયાદ મુંબઈ પોલીસ કમિશનર, રાષ્ટ્રીય મહિલા આયોગ, મહારાષ્ટ્ર મહિલા આયોગ અને બાળ આયોગને મોકલવામાં આવી છે. લોકો ડાર્ક હ્યુમર અને કોમેડી માટે પ્રખ્યાત આ શોને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ લોકોએ યુટ્યુબને આવી સામગ્રી ન બતાવવાની સલાહ પણ આપી છે.

પહેલા IPCમાં આવા કેસોમાં કડક કલમો હતી, પરંતુ હવે નવા BNS (ભારતીય ન્યાયિક સંહિતા) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ડિજિટલ માધ્યમથી આ બન્યું હોવાથી IT એક્ટ હેઠળ પણ કેસ નોંધી શકાય છે. હવે પોલીસ પર આધાર રાખે છે કે તેઓ તેના પર કઈ કલમો લગાવે છે. હાલમાં, જે લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમને અમારા દ્વારા કોઈ નોટિસ મોકલવામાં આવી નથી. અમારું કામ ફરિયાદ નોંધાવવાનું હતું, હવે આગળની કાર્યવાહી કરવાનું જવાબદાર અધિકારીઓના હાથમાં છે.

શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહાબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયા હતા. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે. પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. તેને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી છે.

આ શો અશ્લીલ કોમેડી પર ચલાવવામાં આવી રહ્યો છે, જે બિલકુલ ખોટું છે: દેવેન્દ્ર ફડણવીસ

આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મને આ અંગે માહિતી મળી છે, જોકે મેં તે જોયું નથી. પરંતુ મને ખબર પડી છે કે આ શો અશ્લીલ કોમેડી પર ચલાવવામાં આવી રહ્યો છે, જે બિલકુલ ખોટું છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે, પરંતુ જ્યારે આપણે કોઈ બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થાય છે. આ યોગ્ય નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે નિયમો પણ નક્કી કર્યા છે. જો કોઈ તેનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

રણવીર અલ્લાહાબાદિયાએ માફી માગી

વિવાદ વધતાં હવે રણવીર અલ્લાહાબાદિયાને પણ પોતાની ભૂલનું ભાન થયું છે. એણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ‘ટ્વિટર’) પર વીડિયો પોસ્ટ કરીને માફી માગી છે. રણવીરે કહ્યું છે કે, ‘કોમેડી મારો વિષય નથી. શોમાં મેં જે કહ્યું તે તદ્દન હલકી કક્ષાનું હતું, હું મારા નિવેદન બદલ કોઇપણ જાતનું સ્પષ્ટીકરણ આપ્યા વિના સૌની માફી માગું છું. મારાં પોડકાસ્ટના વીડિયો તમામ ઉંમરના લોકો જુએ છે, અને હું દૃઢપણે માનું છું કે યુટ્યૂબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ આવી સામગ્રી પીરસવા માટે ન જ થવો જોઇએ. હું ‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’ના મેકર્સને પણ વિનંતી કરું છું કે તેઓ મારી વાંધાજનક કમેન્ટ્સનો હિસ્સો શોમાંથી દૂર કરી દે.’

ગૌરવ તનેજાએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
યુટ્યુબ પર ‘ફ્લાઈંગ બિસ્ટ’ તરીકે ફેમસ યુટ્યુબર ગૌરવ તનેજાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે કે લાગે છે કે સમય રૈના સમગ્ર YouTube ભારત પર પ્રતિબંધ મૂકાવશે. ગૌરવ તનેજા ઉપરાંત, ઘણા અન્ય યૂઝર્સ રણવીરની આ કોમેન્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.