છેલ્લા ઘણા સમયથી હિંસામાં બળી રહેલાં મણિપુરમાં એન. બિરેન સિંહે ગઈકાલે (9 ફેબ્રુઆરીએ) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ કામચલાઉ ધોરણે પદ પર કાર્યરત રહેશે. મણિપુરના મુખ્યમંત્રીના અચાનક રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી માટે ચર્ચાઓ તેજ થઈ છે. પરંતુ હાઈ કમાન્ડ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક હિંસાત્મક ઘટનાઓ બન્યા બાદ બિરેન સિંહ પર રાજકીય દબાણ વધી રહ્યું હતું. વિપક્ષ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન તેમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો હતો, જો કે તે પહેલાં જ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બિરેનસિંહનું મણિપુરના CM પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ આંતરિક ખેંચતાણ અને પક્ષના ધારાસભ્યોનું સમર્થન ગુમાવી રહ્યા હોવાનું મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું.
સિંહે રાજ્યપાલને લખેલા પત્રમાં કહ્યું કે…
બિરેન સિંહે રાજ્યપાલને લખેલા પત્રમાં કહ્યું મણિપુરના લોકોની સેવા કરવી મારા માટે સન્માનની વાત રહી છે. દરેક મણિપુરીના હિતોનું રક્ષણ કરવા માટે સમયસર કાર્યવાહી, વિકાસ કાર્યો અને વિવિધ પ્રોજેકટ્સના અમલીકરણ માટે હું કેન્દ્ર સરકારનો ખૂબ આભારી છું. વધુમાં જણાવામાં આવ્યું હતું કે તમારા કાર્યાલય દ્વારા કેન્દ્ર સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ચાલુ રાખો. આ તકનો લાભ લઈને હું તેમાંથી સૌથી મહત્વપૂર્ણ બાબતોની યાદી આપવા માંગુ છું…મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવી, જેનો હજારો વર્ષોનો સમૃદ્ધ અને વૈવિધ્યસભર સભ્યતાનો ઇતિહાસ છે.
હાલ રાજ્યમાં નવી સરકાર બનાવવાની સંભાવના શોધવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. જો નવી સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. મણિપુરમાં હાલ રાજકીય સ્થિતિ બગડતા સંજેન્થોંગ, સિંગજામેઈ, મોઇરાંગખોમ, કીસમપત અને કંગલા ગેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
મણિપુરમાં નવા મુખ્યમંત્રીનો ચહેરો હજુ સુધી જાહેર કરાયો નથી, પરંતુ ભાજપના ટોચના નેતા સંબિત પાત્રાનું નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યું છે. આ સિવાય ભાજપના અન્ય ટોચના નેતાઓ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી યુમનામ ખેમચંદ સિંહ, વરિષ્ઠ કેબિનેટ મંત્રી ટી. વિશ્વજીતસિંહ અને વિધાનસભા સ્પીકર ટી. સત્યબ્રત સિંહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંબિત પાત્રાએ એવા ત્રણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જેઓ બિરેન સિંહ સાથેના બગડેલા સંબંધો માટે જાણીતા છે. ભાજપના આ ધારાસભ્યો આગામી 48 કલાકમાં રાજ્ય અથવા અન્ય જગ્યાએ બેઠકો યોજે તેવી શક્યતા છે.
ભાજપ માટે મણિપુરના મુખ્યપ્રધાનની પસંદગી કરવાનું વધુ મુશ્કેલ કામ છે. કારણ કે જો મુખ્યમંત્રી મેઇતેઇ સમુદાયના હોય તો કુકીઓ નારાજ છે, જો તે કુકી સમુદાયના છે તો મેઇતેઇઓ નારાજ છે અને જો ત્રીજી વ્યક્તિ છે તો આ બંને સમુદાયો નારાજ છે.
જો કે, મણિપુરમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થશે કે પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે? તે મુદ્દે પણ પક્ષ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. બીજી તરફ કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ચાલી રહેલા રમખાણો પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં આજથી શરુ થઈ રહેલું મણિપુરનું વિધાનસભા સત્ર સ્થગિત કરવામાં આવ્યું છે.