અરવિંદ કેજરીવાલની હારને લઈને આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલિવાલના આ આક્ષેપો અને સલાહથી દિલ્હીની આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે. જ્યારે AAPના અગ્રણી ચહેરાઓએ હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં પૂર્વ CM અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ CM મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ, અવધ ઓઝાનો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલની હારને લઈને સ્વાતિ માલિવાલે કહ્યું કે કેજરીવાલ ગુસ્સામાં આક્રમક બની જતાં હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે ગાળો બોલે છે, વસ્તુઓ તોડે છે, પણ આ વખતે આત્મમંથન કરવું જોઈએ…
સ્વાતિ માલિવાલે કહ્યું કે, ઘમંડ અને અહંકાર ચકનાચૂર જ થાય છે. જે લોકોએ મારૂ ચારિત્ર્યનું હનન કર્યું. મને અપશબ્દો કહ્યાં. કેજરીવાલે મને માર ખવડાવ્યો. તેમના કહેવા અને કરવામાં ઘણો ફરક છે. તેમને લાગ્યું કે એક સાંસદને તેઓ તેમના જ ઘરમાં લાતો અને મુક્કાઓથી માર મારશે. તેના ચારિત્ર્યને બદનામ કરશે અને જનતા તેમને માફ કરી દેશે. ના આવું નહીં થાય.
તેઓ પોતે જ તેમની સીટ ન બચાવી શક્યા. આ બધું બતાવે છે કે ભગવાન છે. અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો નથી.. કેજરીવાલને ગુસ્સો બહુ આવે છે. તેઓ ગુસ્સામાં ચીજો તોડવા લાગે છે. પરંતુ હું તેમને સલાહ આપીશ કે, તેઓ આ બધુ છોડી મનોમંથન કરે.
સ્વાતિ માલિવાલે પક્ષ છોડવાની વાત પર જવાબ આપ્યો છે કે, મારે AAP પાર્ટી છોડવાની કોઈ જરૂર નથી. કારણકે, મે આ પાર્ટીને 18 વર્ષ આપ્યા છે. મેં આ પક્ષ માટે ઘણું બધુ કર્યું છે. અમુક લોકો મને હાંકી કાઢવા માગે છે. પરંતુ હું પક્ષ નહીં છોડું.
ઉલ્લેખનીય છે, અરવિંદ કેજરીવાલના અંગરક્ષક બિભવ કુમાર પર સ્વાતિ માલિવાલે પોતાને અપશબ્દો બોલવા અને માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદથી સ્વાતિ માલિવાલ સતત આમ આદમી પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. જો કે, તેઓ પક્ષ સાથે જોડાયેલા છે.
સ્વાતિ માલિવાલે કેજરીવાલને પોતાની હારનું મંથન કરવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ હાર ખૂબ મોટી છે. તેમજ ક્યાં ચૂક રહી ગઈ તેના પર વિચાર કરી તેમાં સુધારો કરવા કામ કરવુ જોઈએ. પોતાનો ગુસ્સો બાજુ પર રાખીને અરવિંદ કેજરીવાલે આ હાર વિશે મંથન કરવું જોઈએ.