દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મોટાભાગનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં 27 વર્ષ બાદ ભાજપ સત્તાના સિંહાસન પર બેસવા જઈ રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના સૂપડા સાપ થઈ ગયા છે. ચૂંટણી પંચના મતે ભાજપે 30 બેઠકો જીતી છે અને 15 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 45 બેઠકો. આમ આદમી પાર્ટી (AAP) એ પણ 15 બેઠકો જીતી છે અને 7 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 22 બેઠકો. કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામે તમામ લોકોને ચોકાવી દીધા છે. પાર્ટીને ન માત્ર હાર મળી છે. પરંતુ મોટા મોટા દિગ્ગજ નેતાઓએ પણ તેમની બેઠકો ગુમાવી છે. સતત ત્રણ વાર દિલ્હીના મુખ્યમંત્રી બનેલા અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી હારી ગયા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ પોતાની બેઠક બચાવી શક્યા નહીં. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે અને મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે.
દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું, ‘હું મારી આખી ટીમનો આભાર માનું છું. આ દિલ્હીના લોકોનો જનાદેશ છે અને અમે તેનો સ્વીકાર કરીએ છીએ. મેં મારી સીટ જીતી લીધી છે, આ ઉજવણીનો સમય નથી. આપણી લડાઈ ચાલુ છે. ભાજપ સામે અમારી લડાઈ ચાલુ રહેશે.
અરવિંદ કેજરીવાલ ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્મા સામે 3000 મતોથી હારી ગયા છે. હાર બાદ કેજરીવાલે કહ્યું કે “હું ભાજપને જીત માટે અભિનંદન આપું છું. લોકોએ તેમને બહુમતી આપી છે. મને આશા છે કે તમે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. અમે શિક્ષણ, પાણી અને વીજળીના ક્ષેત્રમાં કામ કર્યું છે. અમે રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવીશું. અમે લોકોના સુખ-દુઃખમાં મદદરૂપ થઈશું. અમે રાજકારણ માટે સત્તામાં નથી આવ્યા. અમે લોકોના સુખ-દુઃખમાં ભાગ લેવા આવ્યા છીએ. હું તમારા બધા કાર્યકરોને અભિનંદન પાઠવું છું. તેમણે મહેનત કરી છે. તેમણે શાનદાર રીતે ચૂંટણી લડી, અભિનંદન.
ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં 39 બેઠકોનો વધારો કર્યો છે. વર્ષ 2020માં, ભાજપે ફક્ત 8 બેઠકો જીતી હતી. જ્યારે 2025માં, તેમણે 6 ગણી વધુ બેઠકો જીતી, એટલે કે 48 થી વધુ બેઠકો જીતી છે. જ્યારે AAP ને 39 બેઠકોનો ઘટાડો થયો છે. કોંગ્રેસ આ વખતે પણ ખાલી હાથ રહી. એક પણ બેઠક જીતી શક્યા નહીં.
બીજી બાજુ દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને શુભેચ્છા આપશે.
પીએમ મોદીએ લોકોનો આભાર માન્યો
દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, ‘જનશક્તિ સર્વોપરી! વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ. દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન. તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે. તેના બદલ આભાર. અમે દિલ્હીની ચારેબાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં. આ અમારી ગેરેંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની બને. મને ભાજપના બધા કાર્યકર્તાઓ પર ગર્વ છે. જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત એક કરી દીધા હતા. અમે હવે વધુ મજબૂતી સાથે દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું.’
પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા બાદ પ્રવેશ વર્માએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દિલ્હીમાં હવે ગુજરાત મોડલ અપનાવાશે. દૂષિત યમુના પર અમે ગુજરાતનાં અમદાવાદની સાબરમતી જેવું રિવરફ્રન્ટ બનાવીશું. આ સાથે જ પ્રવેશ વર્માએ પોતાની જીત બદલ નરેન્દ્ર મોદી અને દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો.