દિલ્હી ચૂંટણી પહેલા AAPને જોરદાર ઝટકો, 7 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

aam-aadmi-party

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી (AAP)ને જોરદાર ઝટકો લાગ્યો છે. દિલ્હી વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ મતદાન છે. ત્યારે તેના થોડા જ દિવસ પહેલા આજે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતાં આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. મતદાનના માત્ર 5 દિવસ પહેલા, આમ આદમી પાર્ટી (AAP)ના સાત ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૌથી પહેલા મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી અન્ય સાત ધારાસભ્યોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

જેમાં જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, પાલમથી ભાવના ગૌર, બિજવાસનથી બીએસ જૂન, આદર્શ નગરથી પવન શર્મા, કસ્તુરબા નગરથી મદનલાલ, ત્રિલોકપુરીના રોહિત મહરૌલિયાનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યો ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હોવાના અહેવાલો છે.

https://twitter.com/MLA_NareshYadav/status/1885270947176788144#

ભ્રષ્ટાચારના કાદવમાં ફસાયેલી છે આમ આદમી પાર્ટીઃ નરેશ યાદવ

દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય નરેશ યાદવે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સતત ત્રણ વખત આ ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેશ યાદવે રાજીનામું આપતાં કહ્યું કે, ‘આ પક્ષનો જન્મ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈ લડતાં થયો હતો. પરંતુ હવે પક્ષ જ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબ્યો છે.’ હવે મને ખૂબ જ દુઃખ છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને બિલકુલ ઓછો કરી શકી નથી.

દુઃખી મન સાથે પાર્ટીમાંથી રાજીનામું આપું છુંઃ રાજેશ ઋષિ

જનકપુરીના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજેશ ઋષિએ રાજીનામું આપ્યું છે. ટિકિટ કપાતાં નારાજ રાજેશ ઋષિએ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આરોપ મૂક્યો હતો કે, પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે. દિલ્હીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે અરવિંદ કેજરીવાલે રચેલા અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી, જે હવે ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટી બની ગઈ છે, હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપું છું. હું ખૂબ જ દુઃખી હૃદય સાથે રાજીનામું આપી રહ્યો છું.

રોહિત કુમારના આક્ષેપો

ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું, “મારા સમાજે તમારું સમર્થન કર્યું અને ત્રણ વખત દિલ્હીમાં AAPની સરકાર બની. છતાં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થઈ નથી અને કાચા કામદારોને કાયમી નોકરી મળી નથી. અમારા સમાજનો રાજકીય ફાયદા માટે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.”

ભાવના ગૌર અને મદન લાલના નિવેદનો

પાલમના ધારાસભ્ય ભાવના ગૌરે જણાવ્યું કે, “હવે મારે ન તો તમારી પર વિશ્વાસ રહ્યો છે અને ન તો પાર્ટી પર.”

મદન લાલે એસેમ્બલી સ્પીકરને પત્ર લખીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજીનામું આપ્યું.

ઉલ્લેખનિય છે કે, અગાઉ ગત મહિને સિલમપુરમાંથી આપના ધારાસભ્ય અબ્લુદલ રેહમાને પણ પક્ષમાંથી રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે, પક્ષ મુસ્લિમોના અધિકારોને સતત અવગણી રહ્યો છે. તેઓ મુસ્લિમ અને છેવાડાના સમુદાયોના અધિકારોને અવગણી રહ્યો છે.